ભરૂચના વસંત મિલ ચાલ વિસ્તારમાં ચોકાવનારી ઘટના ઘટી છે. યુવાનને અજાણ્યા શખ્સે ઘરમાં પેટ્રોલ સાથે ઘૂસી જઈ જીવતો સળગાવવાનો પ્રયાસ કરતા આસપાસના લોકોએ દોડી આવી આવ્યા હતા અને યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસને બનાવની જાણ થતાં તપાસ હાથ ધરી છે.
ભરૂચના વસંત મિલ ચાલી વિસ્તારમાં રહેતા 21 વર્ષીય યુવાન કિશન વસાવા ફળિયાના બીજા લોકો સાથે જઇ હોળી માટે કાદવ લઈને આવ્યા બાદ ઘરમાં હતો. તે દરમ્યાન ઘરનું બારણું કોઈકે ખખડાવતા તેણે બારણું ખોલ્યું હતું. સામે એક બુકાનીધારી અજાણ્યો શખ્સ હાથમાં સળગટી દિવેટ વળી બોટલ તેમજ પેટ્રોલ લઈને ઉભો હતો. તેણે ઘરમાં ઘૂસી પેટ્રોલ છાંટી કિશન વસાવાને જીવતો સળગાવવનો પ્રયાસ કરતા સળગતો કિશન વસાવા બૂમો પાડતો ઘરની બહાર દોડી આવ્યો હતો.
આ દરમ્યાન અજાણ્યો હુમલાખોર પાછળના ભાગેથી ફરાર થઈ ગયો હતો. બૂમો સાંભળી દોડી આવેલા આસપાસના લોકો દાઝી ગયેલા કિશન વસાવાને સારવાર માટે હોસ્પીટલ લઈ ગયા હતા અને આ અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
પોલીસે આ રીતે યુવાનને જીવતો સળગાવવા પાછળના કારણોની તપાસ હાથ ધરવા સાથે હુમલા ખોરને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.