MDH સ્પાઈસીસ અને એવરેસ્ટ સ્પાઈસીસ બ્રાન્ડના ચાર ઉત્પાદનોમાં કેન્સર પેદા કરતા તત્વો છે. આ ઉત્પાદનોની તપાસ હોંગકોંગની ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટી, સેન્ટર ફોર ફૂડ સેફ્ટીના રિપોર્ટમાં સામે આવી છે.
ભારતની બે અગ્રણી મસાલા બ્રાન્ડ્સ – MDH અને એવરેસ્ટના કેટલાક ઉત્પાદનો પર પ્રશ્નો ઉભા થયા છે. હકીકતમાં, હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિયમનકારોએ MDHની 3 મસાલા બ્રાન્ડ અને એવરેસ્ટમાંથી એક પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ગ્રાહકો માટે એક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. ખાદ્ય નિયમનકારોના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઈડનું પ્રમાણ ખૂબ વધારે છે, જે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર એ ઇથિલિન ઓક્સાઇડને “ગ્રુપ 1 કાર્સિનોજેન” તરીકે વર્ગીકૃત કર્યું છે.
મામલો શું છે
હોંગકોંગના ફૂડ રેગ્યુલેટરી ઓથોરિટી સેન્ટર ફોર ફૂડ સેફ્ટી (CFS) એ જણાવ્યું કે MDHના ત્રણ મસાલા ઉત્પાદનો – મદ્રાસ કરી પાવડર, સાંભર મસાલા અને કરી પાવડર મિક્સ મસાલા પાવડર, તેમજ એવરેસ્ટના ફિશ કરી મસાલામાં જંતુનાશક ઇથિલિન ઓક્સાઇડ છે. જો કે, એમડીએચ અને એવરેસ્ટ ફૂડ્સ બંનેએ ફૂડ રેગ્યુલેટરના દાવા અંગે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
નિયમિત તપાસ દરમિયાન ખુલાસો થયો હતો
સેન્ટર ફોર ફૂડ સેફ્ટીના જણાવ્યા અનુસાર, આ ઉત્પાદનો તેમની નિયમિત તપાસના ભાગરૂપે હોંગકોંગના ત્રણ રિટેલ સ્ટોરમાંથી લેવામાં આવ્યા હતા. પરીક્ષણ પરિણામો દર્શાવે છે કે નમૂનાઓમાં જંતુનાશક, ઇથિલિન ઓક્સાઇડ છે. નિયમનકારે વિક્રેતાઓને વેચાણ બંધ કરવા અને ઉત્પાદનોને દૂર કરવા નિર્દેશ આપ્યો હતો.
સીએફએસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જંતુનાશકો ધરાવતો ખોરાક માનવ વપરાશ માટે ત્યારે જ વેચી શકાય છે જો ખોરાકનો વપરાશ જોખમી ન હોય અથવા સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ ન હોય. આના પરિણામે વધુમાં વધુ $50,000નો દંડ અને દોષિત ઠરે તો છ મહિનાની જેલ થઈ શકે છે. CFSએ કહ્યું કે તપાસ ચાલુ છે અને જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવામાં આવી શકે છે.
એવરેસ્ટ ફિશ કરી મસાલાને રિકોલ કરવા આદેશ
દરમિયાન, સિંગાપોર ફૂડ એજન્સી (SFA) એ એવરેસ્ટ ફિશ કરી મસાલાને “નિર્ધારિત મર્યાદા કરતાં વધુ” ઇથિલિન ઓક્સાઈડની માત્રાને કારણે પરત મંગાવવાનો આદેશ આપ્યો હતો. જો કે SFA એ કહ્યું કે ઇથિલિન ઓક્સાઇડના નીચા સ્તરો સાથે ખોરાક ખાવાથી તાત્કાલિક કોઈ ખતરો નથી. લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ઉત્પાદનો ખરીદનારા લોકોને પણ તેનું સેવન ન કરવાની સલાહ આપી છે, અને જેઓ વપરાશ કર્યા પછી તેમના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે તેઓએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી અનુસાર, ઇથિલિન ઓક્સાઈડ મનુષ્યમાં કેન્સરનું કારણ બને છે.