- રન ફોર વોટ’ થકી અવશ્ય મતદાન કરવાનો સંદેશો પાઠવતુ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર
- મતદાનના દિવસે મોટી સંખ્યામાં નાગરિકોને મતદાન કરવા આહવાન કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા
- મોટી સંખ્યામાં વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ જોડાયા…
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તારીખ ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ નાગરિકો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જિલ્લામાં નાગરિકો મતદાન અગે જાગૃત બનીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બને તે માટે છોટાઉદેપુર ખાતે ‘રન ફોર વોટ’ યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, જિલ્લાવાસીઓમાં મતદાન અંગે જાગૃતિ લાવવા છોટાઉદેપુર સંસદીય મતવિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, ફ્લેશ મોબ, રેલી, સાયકલ રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે ‘રન ફોર વોટ’ યોજાયું છે.
તેમણે વધુમાં મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ઉમેરીને મતદાનના દિવસે મોટી સંખ્યામાં લોકોને મતદાન કરવા આહવાન કર્યું હતું.
જિલ્લા કલેકટર અનિલ ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ૭ તારીખે સવારે ૦૭-૦૦ થી સાંજે ૦૬-૦૦ કલાકથી સુધી મતદાન કરી શકાશે, મતદાન મથકમાં કોઈપણ નાગરિક મોબાઈલ લઈને જઈ શકશે નહીં તેમજ કોઈ મતદાર પાસે ચૂંટણી કાર્ડ ના હોય તો તેની અવેજીમાં માન્ય દસ્તાવેજોથી પણ મતદાન કરી શકાશે.
આ ‘રન ફોર વોટ’ જિલ્લા સેવા સદનથી શરૂ થઈ ફાયર સ્ટેશનથી જમણી બાજુ થઈ સ્ટેટ બેંક સર્કલ, એસ.ટી.ડેપો, પેટ્રોલપંપ ચાર રસ્તાની જમણી બાજુ થઈ જિલ્લા સેવા સદન ખાતે સમાપ્ત થઈ હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી સાથે ‘રન ફોર વોટ’ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, પ્રાંત અધિકારી વિમલ બારોટ, સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, રમત ગમત અધિકારી, વિવિધ સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, પોલીસકર્મીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
સુલેમાન ખત્રી : છોટાઉદેપુર