- કુમળા ફુલને અંધશ્રદ્ધાનો ડામ : પાટડીના વડગામ નજીક સિકોતરમાંના મંદિરે બાળકીને પેટ પર ગરમ સોયના ડામ દીધા બાદ આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું
- વડગામમાં માત્ર 10 મહિનાની બાળકીને શરદી ઉદરસના ઈલાજ માટે પેટના ભાગે ત્રણ ડામ અપાતા રાજકોટ હોસ્પિટલમાં વેલ્ટીનેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી માસુમ બાળાનું સારવાર દરમિયાન મોત
@SACHIN PITHVA, SURENDRANAGAR
મૂળ વિરમગામના અલીગઢના દેવીપૂજક પરિવારની માત્ર 10 માસની માસૂમ બાળાને શરદી ઉદરસના ઈલાજ માટે ડોક્ટરે 50થી 60 હજારનો ખર્ચો કહેતા તેઓ પાટડી તાલુકાના એક 80 વર્ષના માંજી પાસે ડામ દઇ બાળાનો ઇલાજ કરાવવા ગયા હતા. જ્યાં શરદી ઉદરસના ઈલાજ માટે પાટડીના વડગામ નજીક સિકોતરમાંના મંદિરે 10 માસની જીવીત બાળકીને પેટ પર ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. બાદમાં ઘેર ગયા બાદ તબિયત લથડતા હાલ રાજકોટ હોસ્પિટલમાં વેલ્ટીનેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી હતી અને આજે એનું રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ.
મૂળ વિરમગામના અલીગઢ ગામે રહેતા દેવીપૂજક પરિવારના ચતુરભાઇ ભઇજીભાઇ સુરેલા (દેવીપૂજક) પોતાના દિકરા પ્રવિણભાઇ સુરેલાની માત્ર 10 માસની માસૂમ બાળા કોમલબેનને કેટલાક દિવસોથી વરદ અને ઉધરસ થઇ જતા વિરમગામ એક્સરે સાથેનો રીપોર્ટ કરાવતા ડોક્ટરે ઇલાજ માટે રૂ. 50થી 60 હજારનો ખર્ચો હોવાનું જણાવ્યું હતુ. અને હાલ રૂ. 20 હજાર ડીપોઝીટના આપવાની વાત કરી હતી. ત્યારે એમને જાણવા મળ્યું હતું કે, પાટડી તાલુકાના વડગામ ખાતે રહેતા પૂતળીબેન ડામ દઇને વરદ અને ઉધરસ મટાડે છે. આથી દાદા-દાદી 10 માસની માસુમ પોત્રીને વડગામ પૂતળીબેન પાસે લઇ જતા એમણે વડગામ નજીક સિકોતરમાંના મંદિરે 10 માસની જીવીત બાળકીને પેટ પર ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા.
બાદમાં મોડી સાંજે તેઓ વિરમગામના અલીગઢ ગામે પરત ફર્યા હતા. ત્યાં બાળાની તબિયત લથડતા એને સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પિટલે લઇ જવામાં આવી હતી. જ્યાં જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાતી માસુમ બાળાનું આજે હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
– વડગામના 82 વર્ષના માંજી છેલ્લા 20 વર્ષથી બાળકોને ડામ આપી ઇલાજ કરવાનું કામ કરે છે
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતાનુસાર પાટડી તાલુકાના વડગામના 82 વર્ષના માજી છેલ્લા 20 વર્ષથી બાળકોને ડામ આપી ઇલાજ કરવાનું કામ કરે છે. તેઓ પોતાના પતિ સાથે વડગામની એક વાડીમાં રહે છે. જ્યારે એમના ચારેય સંતાનો વડગામમાં અલગ રહે છે. જ્યારે વિરમગામ અલીગઢનો દેવીપૂજક પરિવાર 10 માસની માસૂમ બાળાના ઇલાજ માટે આવ્યો ત્યારે માંજી ગામમાં આવેલા એમના જૂના મકાનમાં સિકોતરમાંના મંદિરે બાળાના પેટ પર ગરમ સોયના ત્રણ ડામ આપવામાં આવ્યા હતા. આ માંજી ઘણા વર્ષોથી બાળકોને ઇલાજ માટે ડામ આપવાનું કામ કરે છે. અને નાની મોટી બિમારી એનાથી સાજી પણ થતી હોવાની વિગતો જાણવા મળી હતી.
– માસુમને કઇ બિમારીમાં ક્યાં ડામ અપાય છે
* કપાળ (ભાલ પ્રદેશ)માં – ખેંચ હોય કે મગજનો તાવ હોય ત્યારે માથાના કપાળ પર ડામ અપાય છે
* ગળાના પાછળના ભાગે – ગરદન પર સૂક ગળું એટલે કે કૂપોષણ કે ક્ષયરોગમાં બાળક દુબળુ પડી જાય ત્યારે ગરદનની પાછળના ભાગમાં રીંગ શેપમાં ડામ અપાય છે
* ન્યુમોનિયા કે ફેફસામાં કોઇ પણ ચેપ હોય ત્યારે છાતીના ભાગે ડામ અપાય છે
* મેલેરિયા, ટાઇફોઇડ કે અન્ય રોગ જેમાં લિવર કે બરોળની સાઇઝ મોટી હોય ત્યારે પેટ પર છાતીના નીચેના ભાગમાં જમણી બાજુ લિવરની ઉપર ડામ અપાય છે
* બાળકને કમળો થયો હોય ત્યારે એને પેટના ભાગે ડાબી બાજુ ડામ અપાય છે
* બાળકના ગુપ્તાંગ પર એટલે કે વૃષણ પ્રદેશમાં સારણગાંઠ હોય ત્યારે ગુપ્તાંગ પર ડામ અપાય છે
* પૂંઠ બહાર આવતી હોય ત્યારે ગુદા પ્રદેશમાં પણ ડામ અપાય છે.
– માસુમ બાળકને લોખંડના ધગધગતા લોખંડના ગરમ ઓજારથી “ટાંઢા” દેવાની પ્રથા રૂંવાડા ઉભા કરી દે છે
ધગધગતો લોખંડનો ગરમ સળીયો, ખીલીની પાછળનો ભાગ, લોહનો વાયર કે ગોળ લોખંડની વીંટી (રીંગ)ને ખુબ ગરમ કરીને રોગના આધારે બાળકના વિવિધ ભાગો પર મૂકવામાં આવે છે. અને ભૂવાઓ અને ઊંટવૈદો દ્વારા બાયેંધરી પણ આપવામાં આવે છે કે, આ ડામના ઘા પાકશે પછી અંદરની બિમારી મટશે ત્યાં સુધી ધીરજ રાખો
– કચ્છના વાગડ પથંકમાં ધીમે ધીમે આ પ્રથા નાબુદ થઇ શકી : ડો.રાજેશ માહેશ્વરી- બાળ રોગ નિષ્ણાંત ( ગાંધીધામ ) એક્સપર્ટ
સુરેન્દ્રનગર જિલ્લામાં એક 10 માસની માસૂમ બાળાને પેટ પર ડામ આપ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હાલ બાળા રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે અગાઉ ગાંધીધામના વાગડ પથંકમાં કોળી, મુસ્લિમ અને માધલારી ( રબારી-ભરવાડ ) સહિતના અન્ય પછાત સમાજમાં બાળકોને વિવિધ બિમારીઓમાં ડામ આપીને બિમારી ભગાડવાનું દૂષણ ખુબ હતુ. પણ અમે આ પ્રથા ડામવા ડામ વિરોધી અભિયાન ચલાવતા દશ વર્ષે હવે કચ્છ પ્રદેશમાં આ પ્રથા નાબુદ થઇ છે. આજે સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી પથંકની આ ચોંકાવનારી ઘટનાથી હ્રદય ફરી દ્રવી ઉઠ્યું છે. આથી અમે અા પાશવી પ્રથાને ડામવા કચ્છ તો શું ગુજરાતનાં ગમે તે ખુણે જવા તૈયાર અને આતુર છીએ.
– જવાબદાર વ્યક્તિ અને પરિવારજન ઉપર ફરીયાદ નોંધવાની વિજ્ઞાનજાથાએ માંગણી કરી હતી : જયંત પંડ્યા ( વિજ્ઞાન જાથા, રાજકોટ )
આ ચોંકાવનારી ઘટના બાદ અમેં 10 માસની બાળકીના દાદી વિનુબેનને મળ્યા છીએ અને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરને પણ મળ્યા છીએ. આ 10 માસની બાળકીને 3 ડામ આપવાથી એનું રાજકોટ હોસ્પિટલમા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. માત્ર અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાના કારણે આ વરવુ સ્વરૂપ બહાર આવ્યું છે. મેડીકલ સારવારના બદલે ભુવા જાગરીયા પાસે ડામ આપ્યો છે. જેમાં વિજ્ઞાનજાથાએ જવાબદાર વ્યક્તિ અને પરિવારજન ઉપર ફરીયાદ નોંધવાની વિજ્ઞાનજાથાએ માંગણી કરી છે. આ બાળકીને તાવ, શરદી અને ઉધરસ હોવાથી ડાયવર્ટ કરવા પેટના ભાગે ત્રણ ડામ આપવામાં આવ્યા હતા.
– હાલમાં માજી સુરેન્દ્રનગર જેલમાં છે
આ બનાવમાં ડામ આપનારા પાટડી તાલુકાના વડગામના 82 વર્ષના માજી પૂતળીબેન આ ઘટનાના પગલે દસાડા પોલીસ દ્વારા અટક કરીને સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હાલ તો દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા ફરિયાદ માટે સ્ટાફ સાથે રાજકોટ હોસ્પિટલે દોડી ગયા હતા. હાલ આ 10 માસની માસુમ બાળાનું રાજકોટ સિવિલ હોસ્પિટલમા પોસ્ટ મોર્ટમની કાર્યવાહી ચાલુ છે.