દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે દિલ્હી લીકર કૌભાંડ કેસમાં 10 સમન્સ મોકલ્યા બાદ તેમની ધરપકડ કરાઈ છે.
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.
કેજરીવાલને હાજર થવું પડશે : હાઈકોર્ટ
નોંધનીય છે કે ઈડીના સમન્સ પર કેજરીવાલ પૂછપરછ માટે હાજર થઈ રહ્યા ન હતા, તેમણે કોર્ટ પાસે ખાતરી માંગી હતી કે જો તેઓ પૂછપરછ માટે જાય તો તેમની ધરપકડ ન કરવામાં આવે. મુખ્યમંત્રી કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કેજરીવાલ પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થશે, પરંતુ ઈડીએ કોર્ટમાં એમ કહે કે તેમની સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે આના પર કોર્ટે કહ્યું કે કેજરીવાલે સમન્સના જવાબમાં ઈડી સમક્ષ હાજર થવું પડશે, તેમની ધરપકડ પર કોઈ સ્ટે નથી.
વચગાળાની રાહત માટેના આદેશને નિયમ ન ગણી શકાય: ઈડી
આ દરમિયાન ઈડી વતી કહેવામાં આવ્યું હતું કે તમે વચગાળાના આદેશને પૂર્વ પુરાવા તરીકે લઈ શકતા નથી. સુરક્ષા પ્રદાન કરવા માટે આપવામાં આવેલા આદેશોનો ઉલ્લેખ કરતા એએસજીએ કહ્યું કે વચગાળાની રાહત માટેના આદેશને નિયમ તરીકે ગણી શકાય નહીં. કોર્ટે ઈડીને પૂછ્યું કે તમે એક પછી એક સમન્સ મોકલી રહ્યા છો! તો તમે ધરપકડ કેમ ન કરી? કોણ રોકે છે? ઈડીના વકીલ એએસજી એસવી રાજુએ જવાબ આપતા કહ્યું હતું કે ‘ખબર નહીં મુખ્યમંત્રીને કોણે કહી દીધુ કે અમે તેમની ધરપકડ કરવા માટે બોલાવી રહ્યા છીએ.’