partho alkesh pandya , પાટણ
પાટણ જિલ્લો અનેક ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી સજ્જ છે. આજે પણ જિલ્લામાં આ ઐતિહાસિક વારસો અકબંધ છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો અહીં સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું. અને તેઓ શિવધર્મી હતા. તેમણે બારમી સદીમાં પાટણ પંથકમાં અલભ્ય એવા અનેક શિવ મંદિરો બનાવ્યા હતા. જે આજે પણ મોજૂદ છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે પાટણ સ્થિત છત્રપતેશ્વરનો ઈતિહાસ જાણ્યો ત્યારે આજે અમે આપને શંખેશ્વર તાલુકામાં આવેલ ધોળેશ્વર મહાદેવના મંદિરનું મહત્વ અને તેનો ઈતિહાસ અને પૌરાણિક મંદિરના દર્શન કરાવીશું.
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાનું શિપોર ગામ જે શિવપુર તરીકે પણ ઓળખાય છે. અહીં 11મી સદીમાં પુન:જીર્ણોધાર થયેલ ધોળેશ્વર મહાદેવનું મંદિર છે જેને સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું. આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે શિવ મંદિર શૈલીનું આ એક માત્ર મંદિર છે જયાં શિવ ભગવાનની ચોકી કરતા 4 દ્વારપાળ છે ગણેશ, ભૈરવ, હનુમાન અને વરુણ દેવ. આ 4 દિશામાં ચોકી કરતી મૂર્તિઓ આજે પણ હયાત છે.
શિવ મંદિર શૈલીના આ મંદિરની કોતરણીમાં રાણીની વાવ ,સૂર્ય મંદિર, ડભોઇની હીરા ભાગોળ તળાવની છાપ જોવા મળે છે. મંદિરની કોતરણીમાં ગંધર્વ અને કિન્નરના શિલ્પ સ્થાપત્ય છે. શીપુરના આ શિવ મંદિરની ઉંચાઈ 40 ફૂટ છે જે જમીન ની નીચેથી ઉપર સુધીની છે. આ મંદિરની 4 દિશામાં નાના મંદિર આવેલ છે જે ચોકીદારીનું કામ કરી રહયા છે.
વૈદિક પુરાણોમાં અને લોક વાયકા અનુસાર મહાભારત કાળ સમયની પ્રતીતિ કરાવતા પ્રસંગો નોંધાયેલ છે અને ખાસ કરીને જ્યારે પાંડવોને વનવાસનો સમય હતો ત્યારે પાંડવો જ્યાંજ્યાં રોકાતા હતા ત્યાં શિવલિંગ ની સ્થાપના કરતા હતા.
પાટણ પંથકની વાત કરીએ તો ચોક્કસ કેટલાક શિવલિંગો પાંડવ સમયના છે આ મંદિરમાં શિવલિંગ ની સ્થાપના પાંડવો એ તેમના ગુપ્ત વનવાસ દરમ્યાન કરી હતી તેઓ નજીકના તળાવમાં ગુપ્ત ભોંયરું બનાવેલ જે ભૈરવ દેરીમાં નીકળતું હતું. શીપુર ગામ તળાવ છે ત્યાં પણ ઇતિહાસને ઉજાગર કરતા કેટલાક શિલ્પ સ્થાપત્યો આવેલા છે.