By: પ્રજ્ઞેશ પાટણવાડીયા, ભરૂચ
ભરૂચના ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે નવજીવન ન્યુઝના પ્રખર પત્રકાર પ્રશાંત દયાળના સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પત્રકારત્વ અને સામાજિક જીવન શૈલી અંગે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા તેઓના આગવા અંદાજમાં વક્તવ્ય આપવા સાથે તેઓના પત્રકારત્વના અનુભવો વર્ણવ્યા હતા. ૬ વખતની દેશદ્રોહની લાગેલ કલમોની પણ વાત કરી પોતાના જીવનના પત્રકારત્વ દિવસો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. પત્રકારોના જીવનમાં આવતા આવતા ઉતાર ચઢાવ, દાબ દબાણ, કપરા સમયમાં નિર્ણયો પર મક્કમ બની કામગીરી કરવી તેમજ પરિજનો દ્વારા મળતા આત્મબળને તેઓએ યાદ કર્યું હતું. મૂળ મરાઠી બ્રાહ્મણ અને ભરૂચના જમાઈ એવા પ્રશાંત દયાળના વક્તવ્યનો લ્હાવો લેવા જિલ્લાભરના પત્રકારો અને સામાજિક કાર્યકરો કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રમા ગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા અને નર્મદા ચેનલના ડિરેકટર નરેશ ઠક્કરની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચ સક્રિય પત્રકાર સંઘના કાર્યકારી પ્રમુખ દિનેશ અડવાણી, કારોબારી અધ્યક્ષ પ્રજ્ઞેશ પાટણવાડીયા, ખજાનચી વાહીદ મશહદી, મંત્રી જીતુ રાણા, મુનિર પઠાણ, ઇફતેખાર સૈયદ, અનિલ અગ્નિહોત્રી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. તેમજ ભરૂચ જિલ્લાભરના નામી પત્રકારો, આર.ટી.આઈ. એક્ટિવિસ્ટોએ સિનિયર પત્રકાર પ્રશાંત દયાળના અનુભવો અને જ્ઞાનવાણી સાંભરી ખૂબ રાજી થયા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રશ્નોતરી પણ ચાલી હતી જેમાં પ્રશાંત દયાળએ જણાવ્યું હતું કે મારે વર્તમાન સરકારની કામગીરી સામે પ્રશ્નો છે, કોઈ વ્યક્તિ સામે નહિ. ત્યારે મીડિયા મેનેજ થઈ રહ્યું હોવાની વાતને લઈ જણાવ્યું હતું કે પત્રકાર રોફ ઝાડવાનું કાર્ડ નથી પીડિતની મદદે આવવાનું મિશન છે. વિવિધ પ્રકારના જ્ઞાનના રસથાળથી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોમાં પત્રકાર ક્ષેત્ર માટે મહત્વ વધવા સાથે જોશમાં પણ વધારો થયો હતો