લોકસભાની ચૂંટણીમાં ભાજપના વિજયરથને એકલે હાથે રોકનારાં ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન ઠાકોર પક્ષવિરોધીથી ભડક્યાં છે. તેમણે કોંગ્રેસને સલાહ આપી છે કે, જો પક્ષના ગદ્દારોને હાંકી કાઢવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષને વધુ નુકશાન થશે. ભલે મારો સગો ભાઈ હોય, પણ પક્ષવિરોધી પ્રવૃતિ કરતો હોય તો તેને પક્ષમાંથી હાંકી કાઢો.
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પક્ષવિરોધી પ્રવૃતિને લઈને ઘણી ફરિયાદો મળી છે ત્યારે કોંગ્રેસ આગામી દિવસોમાં શિસ્તભંગનો કોરડો વિંઝે તેવી શક્યતા છે. ગેનીબેનનું સ્પષ્ટ કહેવુ છેકે, જો પક્ષવિરોધીઓને સજા ન કરો તો બીજા પ્રેરિત થાય છે.
પક્ષના ગદ્દારોથી પક્ષને નુકશાન થતું હોય છે. જે કાર્યકરો મારી સાથે કામ કરે છે જેમણે મને હંમેશા મનોબળ પૂરું પાડ્યું છે પણ પક્ષના વિરોધમાં કોઈપણ કે મારો સાગો ભાઈ કામ કરે તો મેં ક્યારેય લેટ ગો’ની ભાવના રાખી નથી.
કેટલાં વોટથી ગેનીબેન જીત્યાં
બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરનો લગભગ 30,406 મતોથી પ્રચંડ વિજય થયો હતો. જેનાથી ભાજપનો વિજયરથ અટકી ગયો અને ગુજરાતમાં ક્લિન સ્વિપનું સપનું પણ રોળાયું. ગેનીબેન ઠાકોરને 6,71,883 મત મળ્યા હતા. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6,41,477 મત મળ્યા હતા. આમ, કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને 30,604 મતોથી પરાજિત કર્યા હતા.