આજકાલ FACEBOOK પર સાહિત્યિક ગૃપ સક્રિય જોવા મળી રહ્યા છે. જેમાં કેટલાક લેખકો ખુબ સરસ લખે છે, તો કેટલાક ગુજરાતી ભાષાને બાજુ પર મૂકી કોઈ નવી જ શૈલીમાં લખી રહ્યા છે. તેમનું ગુજરાતી એટલુ બધુ સરસ હોય છે કે તે વાંચનાર પણ પોતાનું ગુજરાતી ભૂલી જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં ફેસબુક પર આવા ગ્રુપ સાહિત્ય અને લેખનને પ્રોત્સાહન આપવાનું ખૂબ જ પ્રશંસનીય કાર્ય જરૂર કરી રહ્યા છે. આ જૂથોમાં, લેખકો વચ્ચે નિયમિતપણે એક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે અને વિજેતા જાહેર કરવામાં આવે છે અને તેમને સન્માનપત્રોથી નવાજવામાં આવે છે. કેટલીકવાર તમામ સભ્યોને વિજેતા જાહેર કરવામાં આવે છે અને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવે છે પરંતુ, અહીં ન તો રચનાનું સ્તર જોવામાં આવે છે, ન તો ભૂલો ધ્યાનમાં લેવામાં આવે છે. કાં તો રચના લયમાં નથી અથવા વીસ લીટીઓની રચનામાં 10 વ્યાકરણની ભૂલો હોય છે. જ્યારે આવી રચનાઓને વિજેતા જાહેર કરવામાં આવે છે, ત્યારે આવા લેખ લખનાર માટે સ્વભાવિક છે કે મન અશાંત થઈ જાય છે.
ખબર નથી કે રચનાના કયા પાસાઓનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવામાં આવે છે, તે આશ્ચર્યજનક છે. સાહિત્યનું(Literary Creator) ધોરણ આટલું ઘટતું જોઈને પણ દુઃખ થાય છે. આ સાહિત્યિક મંડળો(Literary GROUP) ગમેતેવી રચનાઓને વિજેતા જાહેર કરીને સાહિત્ય અને ગુજરાતી ભાષાને પણ અપભ્રંશ કરી રહ્યા છે. જયારે ફેસબુક પર માન-સન્માન મેળવ્યા પછી સામાન્ય અને નિમ્ન કક્ષાનું લખનારા લેખકો પણ પોતાની જાતને મહાન સમજીને એ જ રીતે લખવાનું ચાલુ રાખે છે.
સાહિત્યનો પ્રચાર કરવો હોય તો ગ્રૂપને શાળા જેવું બનાવો. નબળા લેખકોની ભૂલો અને વ્યાકરણની ભૂલોને અવગણવાને બદલે તેમને સુધારવા અને ભાષા શુદ્ધિકરણ પર ભાર મુકવો જોઈએ. લખવાની શૈલી, શબ્દોની પસંદગી,પ્રાસ આવા દરેક પાસાને તપાસીને પરિણામ જાહેર કરવું જોઈએ. સભ્યોને જોડાયેલા રાખવાની નીતિ અને તમામ લેખકોને ખુશ રાખવાની લાલચ સાહિત્યના આત્માને કચડી રહ્યું છે.
દરેક લેખક શીખીને જ આગળ વધે છે. આજના ફેસબુકના યુગમાં આવા લેખકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અને વાચકો ઘટી રહ્યા છે. આવું સાહિત્ય કોણ વાંચશે જે ચોથા કે પાંચમા ધોરણના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યું હોય? આ યુગમાં ઝવેરચંદ મેઘાણી, નર્મદ, ઉમાશંકર જોશી, કલાપી કે પછી રવીન્દ્રનાથ ટાગોર કે મુનશી પ્રેમચંદ, મહાદેવી વર્મા જેવા લેખકો ક્યાં જોવા મળે છે.
સૌ પ્રથમ, સારા લેખક બનતા પહેલા, વ્યક્તિએ સારા વાચક બનવું પડશે. પણ આજકાલ એકબીજાને કોઈ વાંચતું નથી. દરેક વ્યક્તિ પોતપોતાની ફેસબુક વોલ પર લખીને ગૌરવ અનુભવે છે. બીજા કોઈનું સર્જન સામે આવે તો પણ ગ્રેટ, બેસ્ટ, જેવા લખાણ કે ઈમોજી સાથે જવા દેતા હોય છે. વાંચનનો શોખ અને જુસ્સો લેખકે જાળવવો અને કેળવવો જોઈએ. તો જ આવનારા સમયમાં અણીશુદ્ધ ભાષાનો સમૃદ્ધ વારસો જાળવી શકીશું.
લખવું એ બાળકોની રમત નથી. એક પ્રબુદ્ધ વ્યક્તિની તેની આસપાસની ઘટનાઓ વિશે વિચારવાની, સમજવાની, કલ્પના કરવાની અને તેનું અવલોકન કરવાની ક્ષમતા તેને ઉત્તમ લેખક બનાવે છે. સાહિત્યના વારસાની કાળજી લેવી એ દરેક લેખકની નૈતિક ફરજ છે, જો તમે લેખનને પૂજા માનતા હોવ, તમારી જાતને હંમેશા નવા શબ્દ ભંડોળથી અપડેટ કરતા રહો. લેખન દ્વારા સાહિત્ય જગતમાં તમારી જાતને સ્થાપિત કરો.