પરિવારવાદ! ભાજપમાં પણ છે ઉત્તરથી દક્ષિણ સુધી ‘પરિવારવાદ’નો દબદબો
સત્તાધારી પાર્ટી હંમેશા કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં પણ પરિવારવાદનું પ્રમાણ વધ્યું છે. ભાજપમાં પણ હવ કોંગ્રેસ અને અન્ય પાર્ટીની જેમ નેતાના પુત્ર કે પરિવારના કોઇ સભ્યની નવી પેઢીને રાજકારણમાં લાવવાનું ચલણ જોવા મળી રહ્યું છે. ભાજપનું કોંગ્રેસીકરણ અને ક્યાંક ને ક્યાંક બેઠક ગુમાવવાનો ડર ભાજપને પરિવારવાદ તરફ લઇ જઈ રહ્યો છે. ભત્રીજાવાદને લઈને અન્ય રાજકીય પક્ષો પર ટિપ્પણી કરનાર ભાજપે તેના પક્ષના નેતાઓના ઘણા સંબંધીઓને આ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં રાજકારણમાંથી ભત્રીજાવાદને ખતમ કરવાની વાત કરવી બેઈમાન હશે કારણ કે રાજકીય પક્ષોમાં ભત્રીજાવાદને ખતમ કરવાની ઈચ્છા જ નથી. એવું કહી શકાય કે રાજકીય પક્ષો માટે પાર્ટી કરતા પરિવાર વધુ મહત્ત્વનો છે.
પ્રાદેશિક પક્ષો સાથે ગઠબંધન કરવું એ ભાજપની મજબૂરી છે, કારણ કે આ પક્ષોનું નેતૃત્વ પરિવાર દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં તેમની પાસે જ્ઞાતિની મતબેંક છે. લોકસભા ચૂંટણી 2024માં ભાજપની આ ચાલ કેટલી સફળ રહી છે તે 4 જૂને પરિણામ આવશે ત્યારે ખબર પડશે.
ગઈ કાલે ભાજપે કુશ્તીબાજ મહિલાઓ સાથે કથિત યૌન શોષણના આરોપનો સામનો કરી રહેલા બ્રિજ ભૂષણ શરણ સિંહની કૈસરગંજથી ટિકિટ કાપી અને તેમના નાના પુત્ર કરણ ભૂષણ સિંહને ટિકિટ આપી છે. અહીં નોંધનીય બાબત એ છે કે આ બ્રિજ ભૂષણના મોટા પુત્ર પ્રતીક ભૂષણ પહેલેથી જ ધારાસભ્ય છે. હવે બીજા પુત્ર કરણ ભૂષણને પ્રથમ વખત ચૂંટણી લડવાની તક મળી છે. ટિકિટ કપાઈ તો શું થયું, ફાળવાઈ તો પણ ઘરમાં જ, ‘ઘી ઢોળાયું તો ખીચડીમાં’ જેવો ઘાટ થયો છે.
વડાપ્રધાન મોદી સહિતના સત્તાધારી પક્ષના નેતાઓ અવાર નવાર કોંગ્રેસ પર પરિવારવાદનો આરોપ લગાવતા રહ્યાં છે. પીએમ મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન કહે છે કે, કોંગ્રેસ માટે પોતાના એક પરિવારથી મોટો કોઇ નથી. યૌન શોષણનો આરોપનો સામનો કરતા બ્રિજભૂષણ શરણ સિંહના સ્થાને તેમના પુત્રને કૈસરગંજથી ટિકિટ આપવામાં આવતા હવે ભાજપ માટે પણ એક પરિવારથી મોટો કોઇ નથી તેવી ચર્ચા લોકો કરી રહ્યાં છે.
1979માં વિદ્યાર્થી સંઘની ચૂંટણીથી રાજકારણ કરી રહેલા બ્રિજ ભૂષણ શરણ સિંહ 6 વખત લોકસભાના સાંસદ છે. માત્ર એક જ વાર લોકસભાની ચૂંટણી હારી છે. ભાજપમાંથી 5 વખત અને સમાજવાદી પાર્ટીમાંથી એક વખત સાંસદ રહી ચૂક્યા છે. પરિવારમાં પત્ની સાંસદ રહી ચૂકી છે.
આંધ્ર, કર્ણાટક અને યુપીમાં પણ પરિવારવાદી સહયોગીઓ સાથે ગઠબંધન કર્યું
મહારાષ્ટ્રમાં કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલની પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી બિઅંત સિંહના પૌત્ર રવનીત બિટ્ટુ, કેપ્ટન અમરિંદરની પત્ની પ્રનીત કૌર, કોંગ્રેસ નેતા પ્રતાપ સિંહ બાજવાના ભાઈ ફતેહ જંગ બાજવાને પણ ભાજપમાં સ્થાન મળ્યું છે. રાજ્યોમાં ભાજપનું ચૂંટણી ગઠબંધન વંશવાદી પક્ષો સાથે હતું.
યુપીમાં ચૌધરી ચરણ સિંહના પરિવારના જયંત સિંહ, સોનેલાલ પટેલના વારસદાર અનુપ્રિયા પટેલે સુભાષપ અને નિષાદ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. કર્ણાટકમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જેડીએસ સાથે સમાધાન થયું હતું. જીતનરામ માંઝી બિહારમાં ફેમિલી પાર્ટી HAM (હમ)નું પણ નેતૃત્વ કરે છે.
હરિયાણામાં, ચૌધરી દેવીલાલના પૌત્ર દુષ્યંત ચૌટાલા સાથે ભાજપનો લાંબો સંબંધ હતો, જે લોકસભાની ચૂંટણી પહેલા સમાપ્ત થઈ ગયો હતો. આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી પર ભત્રીજાવાદના આરોપો લાગ્યા છે, જેની સાથે ભાજપ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. તમિલનાડુમાં ગઠબંધન કરનારા પક્ષો પણ વન મેન શો અને પરિવારના કારણે બન્યા છે. મહારાષ્ટ્રમાં અજિત પવાર પર પણ પરિવારવાદની મહોર છે.
પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ સીએમનો પરિવાર ભાજપમાં જોવા મળી રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટીએ પણ બિહાર, કર્ણાટક અને યુપી જેવા રાજ્યોમાં વંશવાદી પક્ષો સાથે બંને હાથ જોડીને ગઠબંધન કર્યું છે. નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ હંમેશા પરિવાર આધારિત પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ પર નિશાન સાધતા રહ્યા છે, તો બીજી તરફ રાજકીય પરિવારોના રાજકારણીઓ ભાજપ બની રહ્યા છે. કોંગ્રેસ છોડીને આવેલા આરપીએન સિંહ અને અશોક ચવ્હાણને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા હતા. આ બંને નેતાઓ તેમના પરિવારનો રાજકીય વારસો પણ સંભાળી રહ્યા છે. કોંગ્રેસના નેતા જિતેન્દ્ર પ્રસાદના પુત્ર જતિન પ્રસાદ, યુપી સરકારમાં મંત્રી બન્યા, હવે તેઓ સુલતાનપુરથી લોકસભાના ઉમેદવાર છે. હરિયાણામાં દેવીલાલના પુત્ર રણજીત સિંહ ચૌટાલાને હિસારથી ટિકિટ આપવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પરિવારના ઘણા સભ્યો ભાજપમાં છે. સિદ્ધાર્થનાથ સિંહ આંધ્ર પ્રદેશમાં ભાજપના સહ-ચૂંટણી પ્રભારી છે. શાસ્ત્રીના પૌત્ર વિભાકર અને પૌત્ર અશોક શાસ્ત્રી પણ ભાજપના નેતા છે. પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર ભાજપના રાજ્યસભા સાંસદ છે. હવે વધુ એક પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવના પુત્ર પ્રભાકર રાવ ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા જઈ રહ્યા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશની કમાન હવે ડી પુરંદેશ્વરી સંભાળી રહી છે, જે એનટી રામારાવની પુત્રી છે. રામરાવનો આખો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે.