- પોલીસ તંત્રના કાફલાએ સિકંદર દાંતને બંદૂક સાથે ઝડપી લીધો…..
@મોહસીન દાલ,ગોધરા
ગોધરા તાલુકાના ખજુરી ગામે આવેલ વડીલો પાર્જીત ખેતરમાં ચોમાસા પૂર્વે સાફ સફાઇ કરવા ગયેલા સાંપા સેગવા ગામના આ પરીવારના સભ્યોની ખેતીની જમીન પચાવી પાડવાના બદઈરાદે આવેલા માથાભારે સિકંદર અબ્દુલ્લા દાંતે આ પરીવારના સભ્યોને આ ખેતર માંથી જીવતા ઘરે નહિ જઈ શકોની ધાક ધમકીઓ વચ્ચે સીંગલ બેરલની બંદૂકમાંથી ધડાધડ બે રાઉન્ડ ફાયરીંગ કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી હતી. જો કે ફાયરીંગની ખબરો સાથે ઘટનાસ્થળે દોડી આવેલ ગોધરા તાલુકા પોલીસ તંત્રની ટીમે ફાયરીંગ કરનાર સિકંદર અબ્દુલ્લા દાંતને બંદૂક સાથે ઝડપી પાડીને કાયદેસર સપાટો બોલાવ્યો હતો.
આ બનાવ સંદર્ભમાં ગોધરા તાલુકાના સાંપા સેગવા વડેલિયા ફળિયા ખાતે રહેતા રણછોડભાઈ પુનાભાઈ પટેલે પોતાની પોલીસ ફરીયાદમાં જણાવ્યું હતું કે ગોધરા તાલુકાના ખજુરી ગામે પોતાને સંયુક્ત માલિકીની સર્વે નંબર ૨૬ વાળી જમીન આવેલી છે. આ જમીનમાં ચોમાસાની ઋતુને લઈને ખેતરમાં પાકની વાવણી કરવાની છે. તે માટે સાફ-સફાઈ કરવા માટે ઘરેથી સવારે આઠ વાગ્યાના સુમારે તેઓ અને તેમના પિતા અને તેમનો દીકરા જીતેન્દ્ર અને તેમના કાકા ભારતભાઈ હીરાભાઈ પટેલ પોતાના ખેતરમાં ખજુરી ગામે આવ્યા હતા અને ચારેય જાણ મળીને ખેતરમાં સાફ-સફાઈ કરતા હતા. આ દરમિયાન ગોધરા તાલુકાના સાંપા-સેગવા ગામે રહેતા સિકંદર અબ્દુલ્લા દાંત નામનો ઈસમ પોતાના ખભા ઉપર બંદૂક લટકાવી મોટર સાયકલ ઉપર બેસીને આવી અને અમોને કહેવા લાગ્યા હતા. કે કેમ ખેતરમાં કામ કરો છો, જમીન મારી છે, ચાલો ખેતરમાંથી નીકળો, જેથી મારા પિતા અને કાકાએ સિકંદર દાંતને કહ્યું હતું કે આ અમારા બાપદાદાની જમીન છે, એટલે અમે અમારા ખેતરમાં સાફ સફાઇ કરીએ છીએ. જેથી તેઓ ઉશ્કેરાઈ જઈને જમીનમાંથી નીકળી જાઓ નહિંતર આજે તમને ખેતરમાંથી જીવતા જવા નહીં દઉં. તેમ કહીને તેને તેની પાસે ખભા ઉપર મુકેલી બંદૂકમાં કારતુસ નાંખી અમારા સામે તાકીને ફાયરીંગ કર્યુ હતું. અમે ખેતરમાં આમ તેમ ભાગ્યા માટે બંદૂકની ગોળી અમને વાગતા રહી ગઈ હતી અને અમે અમારા જીવ બચાવી ખેતરમાં અંદર જ છુપાઈ ગયા હતા. ત્યારબાદ સિકંદર દાંતે જે.સી.બી.મશીન બોલાવી અને જે.સી.બી.મશીનના ચાલકને દૂર ઊભો રાખી અને ફરીથી ખેતરમાં અમને દૂરથી જોતો હતો. અમે ખેતર બહાર ના આવતા તેઓ જે.સી.બી. મશીન ઉપર બેસી આવી ફરીવાર બંદૂકમાં કારતુસ નાંખી અમારા ઉપર ફાયરીંગ કર્યુ હતું. જેથી અમે ચારેય જણા ખેતરમાંથી જીવ બચાવી બહાર દોડી આવ્યા હતા. અને ત્યારબાદ અમે ગોધરા તાલુકા પોલીસને ફોન કરી આ ઘટના વિશે જાણ કરી હતી. જેથી ગોધરા તાલુકા પોલીસ તાત્કાલિક ખજુરી ગામે આવી અને સિકંદર અબ્દુલ્લા દાંતને ઝડપી પાડ્યો હતો. સિકંદર દાંતે બંદૂકને ખેતરમાં છુપાવી હતી. તેને પોલીસે શોધીને સિકંદર અબ્દુલ્લા દાંતને બંદૂક અને ૧૦ કાર્ટુસ સાથે ગોધરા તાલુકા પોલીસ મથકમાં લઈ આવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.