@મોહસીન દાલ, ગોધરા.
પંચમહાલ જિલ્લામાં આજ વહેલી સવારને કાળા ડિબાંગ વાદળોમાં ફેરવીને વાવાઝોડા સાથે ત્રાટકેલા ધોધમાર વરસાદના પગલે મુખ્ય મથક ગોધરા શહેરમાં સંખ્યાબંધ વૃક્ષો કકડભુસ બનીને ધરાસાયી થતા ૧૮ જેટલા વીજ પોલને પણ નુકસાન થતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સાથો સાથ શહેરના જાહેર માર્ગો તથા લાલબાગ એસટી સ્ટેન્ડ ખાતે લગાવવામાં આવેલા હોર્ડિંગ્સો પણ સૂસવાટા મારતા વાવાઝોડાના ભારે પવનને લઈને ભોય ભેગા થઈને હવામાં ઉડવા લાગતા એક તબક્કે શહેરીજનોમાં પણ ભારે ગભરાટ પ્રસરી જવાપામ્યો હતો. જો કે વહીવટી તંત્ર દ્વારા ધરાસાયી થયેલા વૃક્ષોને સત્વરે દૂર કરાવીને વાહન વ્યવહારને પુનઃ રાબેતા મુજબ કર્યો હતો.