મોહસીન દાલ ગોધરા
હાલોલ શહેરના પાવાગઢ રોડ તરફથી જાંબુડી ગામ તરફ જવાના રસ્તેથી સ્વીફ્ટ કાર નંબર જી.જે.૧૭.સી.એ.૮૬૧૨ માંથી ૪૮૦ ગ્રામ જેટલો અફીણનો જથ્થો લઈને જતા શિક્ષક સહિત બે ઈસમોને પંચમહાલ એસ.ઓ.જી.પોલીસ ટીમે ઝડપી પાડતા શૈક્ષણિક જગતમાં ચકચાર મચી જવા પામી છે.જ્યારે ઝડપાયેલા શિક્ષક સહિત બન્ને આરોપીઓની કુલ ૫,૨૨,૩૬૦/- ના મુદ્દામાલ સાથે અટકાયત કરી બન્ને સામે એસ.ઓ.જી. પોલીસે હાલોલ ટાઉન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લા એસ.ઓ.જી. શાખા ગોધરાના પી.આઈ.આર.એ.પટેલને ગુપ્ત રાહે બાતમી મળતા એક મારુતિ કંપનીની સ્વીફ્ટ ગાડીમાં ગેરકાયદેસર રીતે નાર્કોટિક્સનો મુદ્દામાલ લઈને બે ઈસમો પાવાગઢ તરફ થઈ હાલોલ થઈ ગોપીપુરા તરફ જનાર છે જે બાતમીના આધારે એસ.ઓ.જી. પી.એસ.આઈ. કે.એમ.રાઠોડ અને પોલીસ ટીમના કર્મચારીઓએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી હતી અને આરોપીઓને નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરી સ્વિફ્ટ કારમાં જતા બંન્ને ઇસમોને નાર્કોટિક્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડવા માટે હાલોલ ટાઉન વિસ્તારમાં આવેલ પાવાગઢ બાયપાસ રોડ થી જાંબુડી ગામ તરફ જવાના માર્ગમાં વોચ ગોઠવી હતી જેમાં બાતમીવાળી સ્વિફ્ટ કાર આવતા કારને રોકી કારમાં તપાસ કરતા બે ઇસમો ચાલક સહિત અન્ય એક ઇસમ કારમાં બેસેલ મળી આવ્યા હતા.જેમાં એસ.ઓ.જી.પોલીસે કારમાં સવાર ચાલકનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ મયુરકુમાર દિલીપભાઈ પરમાર ઉં.વર્ષ.૨૨ રહે.કંસારાવાવ મોટું ફળિયુ,તા.હાલોલ. જ્યારે તેની બાજુમાં બેસેલ ઇસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ ભુપેન્દ્રભાઈ શંકરભાઈ બારીયા ઉં.વર્ષ. ૪૮ રહે મોટા ચાડવા મંદિર ફળિયું તા. હાલનાઓ અને તે સ્વિફ્ટ કારનો માલિક હોવાનું જણાવ્યું હતું જેમાં પોલીસે કારમાં ડ્રાઇવર સીટના કવરની પાછળના ભાગની ચેન ખોલીને તપાસ કરતા પોલીસને અંદરથી એક પ્લાસ્ટિકની થેલીમાં ઘેરા કથ્થઈ કલરનો માદક પદાર્થ મળી આવતા પોલીસે તેને સૂંઘીને અને ચકાસીને ખાતરી કરતા તે માદક પદાર્થ અફીણ હોવાનું જોવા મળતા પોલીસે અફીણનું વજન કરાવતા કુલ ૪૮૦ ગ્રામ વજન જેની કિંમત ૧૨,૦૦૦/- રૂપિયાનું જોવા મળ્યું હતું જેમાં પોલીસે ૪૮૦ ગ્રામ અફીણ કિંમત ૧૨,૦૦૦/- સ્વીફ્ટ કાર કિંમત ૫,૦૦,૦૦૦/- એક મોબાઈલ ફોન કિંમત ૮,૦૦૦/- રકમ ૨,૩૬૦/- રૂપિયા મળી કુલ ૫,૨૨,૩૬૦/- રૂપિયાના મુદ્દામાલ સાથે આરોપી મયુરકુમાર દિલીપભાઈ પરમાર અને ભુપેન્દ્રભાઈ શંકરભાઈ બારીયાની અટકાયત કરી બન્નેની સામે હાલોલ ટાઉન પોલીસ મથકે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા
જ્યારે ઝડપાયેલા આરોપીઓ પૈકી ભુપેન્દ્રકુમાર શંકરલાલ બારીયા સરકારી પ્રાથમિક શાળાનો શિક્ષક હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જેમાં એક શિક્ષક જેવો જવાબદાર નાગરિક કે જે પોતે શાળામાં બાળકોને શ્રેષ્ઠ નાગરિક બનવાનું શિક્ષણ આપતો હોય અને ભવિષ્યનો શ્રેષ્ઠ નાગરિક તૈયાર કરી સમાજને સાચી અને સારી રાહ ચિંધતો હોય તે જ શિક્ષક પોતે જ અફીણ જેવા માદક પદાર્થની હેરાફેરી કરી તેનો વેચાણ માટે ફરતા રંગે હાથે પોલીસના ઝડપાઇ જાય તે શૈક્ષણિક જગતને કલંકિત કરતો બનાવ કહેવાય જેને લઈને ઝડપાયેલા અફીણ જેવા માદક પદાર્થ સાથે રંગે હાથે ઝડપાયેલા પ્રાથમિક શિક્ષક ભુપેન્દ્રભાઈ સામે પંથકના શિક્ષકોમાં રોષ વ્યાપો છે અને આ વાત સમગ્ર હાલોલ પંથક જ નહીં સમગ્ર પંચમહાલ જિલ્લામાં ફેલાતા શૈક્ષણિક આલમમાં સન્નાટા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.