@mohsin dal, godhara
અમદાવાદના ઈસ્કોન બ્રિજ ઉપર ૯ નિર્દોષ લોકોને ભરખી જનારા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં એસ.જી.હાઈવે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણનું પણ ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતક હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણ મૂળ ગોધરા તાલુકાના સાંપા ગામના હોઈ તેઓના મૃતદેહને આજરોજ અંતિમવિધિ માટે સાંપા ગામમાં લાવવામાં આવ્યો હતો અને સ્વજનોના ભારે આક્રોશના રુદનો વચ્ચે સર્જાયેલા આ ગમગીન માહૌલમાં પંચમહાલ પોલીસ દ્વારા “ગાર્ડ ઓફ ઓનર” સાથે મૃતક હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણની માદરે વતન સાંપા ખાતે ભારે હૈયે અંતિમવિધિ કરાઈ હતી.
ગુજરાતને સ્તબ્ધ કરી દેનારા ઈસ્કોન બ્રિજની ગોઝારી દુર્ઘટનામાં જેગુઆરના ચાલક તથ્ય પટેલે ૯ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારીને આ પરીવારોમાં તબાહી મચાવી મૂકી હોવાના સર્જાયેલા ગંભીર દ્રશ્યોએ સમગ્ર ગુજરાત અને પોલીસ તંત્રને પણ હચમચાવી મુકયુ છે. એમાં ઈસ્કોન બ્રિજ ઉપર થાર ગાડી અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ફરજના ભાગરૂપે દોડી ગયેલા ત્રણ પોલીસ કર્મચારીઓ પૈકી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણ પણ સામેલ હતા. આ દરમિયાન પુરઝડપે આવેલ જેગુઆર કાર એકત્ર થયેલા ટોળામાં બેફામ બનીને ઘુસી જતા ૯ નિર્દોષોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા,એમાં હેડ કોન્સ્ટેબલ જસવંતસિંહ ચૌહાણનો પણ ભોગ લેવાયો હતો. ગોધરા તાલુકાના સાંપા ગામના વતની અને પરીવાર સાથે અમદાવાદ ખાતે રહેતા મૃતક જસવંતસિંહ ચૌહાણના મૃતદેહના આજરોજ વતન સાંપા ગામે આક્રંદના આંસુઓ સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા. ત્યારે ૯ લોકોને કચડીને મોતને ઘાટ ઉતારનારા કાર ચાલક તથ્ય પટેલને આકરી સજા ફટકારવામાં આવે એવો આક્રોશ વ્યક્ત થતો હતો.