@મોહસીન દાલ, ગોધરા
ગોધરા સેશન્સ અદાલત દ્વારા પંચમહાલના પૂર્વ કલેકટર અને ગોધરા બી ડીવીઝનમાં નોંધાયેલા ગુન્હાના આરોપી એસ.કે.લાંગાના જામીન શરતનો ભંગ કરવા બદલ આજરોજ શરતી જામીન રદ્દ કરતો આદેશ ફરમાવતા એસ.કે.લાંગા પ્રકરણમાં વધુ એક મુશ્કેલીઓનો ઉમેરો થયો છે. એટલા માટે કે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ખેડૂત – બિનખેડૂત સંબંધિત વિવાદિત ફાઈલ પ્રકરણમાં “PIC AND CHOOSE” ની અંગત સ્વાર્થની વહીવટી પધ્ધતિ સાથે પંચમહાલના પૂર્વ કલેકટર એસ.કે.લાંગા સામે નોંધાયેલ ફરીયાદમાં હવે શરતી જામીન રદ્દ થતા તેઓની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવે એવી સંભાવનાઓને પણ નકારી શકાય એમ નથી.
પંચમહાલના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા સામે એપ્રિલ ૨૦૨૨માં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો. આ સામે ગોધરા અદાલત દ્વારા દર મહિને ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં હાજરી પુરાવવાની શરતે આગોતરા જામીન મંજુર કરાયા હતા. જો કે પૂર્વ કલેકટર એસ.કે.લાંગા એ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકમાં હાજરી પુરાવવાની શરતોનો ભંગ કર્યો હોવાનું પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના ધ્યાન ઉપર આવતા સમગ્ર મામલાની તપાસ ડી.વાય.એસ.પી. પાસેથી આંચકી લઈને ગોધરા હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી.એસ.બી.કુંપાવતને સુપ્રત કરાઈ હતી. આ સાથે શરતી જામીનનો ભંગ કરનાર એસ.કે.લાંગાના શરતી જામીન રદ્દ કરવા અંગે ગોધરા સ્થિત સેશન્સ અદાલતમાં તપાસ અધિકારી દ્વારા દાખલ કરવામાં આવેલ અરજ સંદર્ભમાં અદાલત સમક્ષ હાથ ધરાયેલ કાયદાકીય દલીલોના અંતે ગોધરા સેશન્સ અદાલત દ્વારા પંચમહાલના પૂર્વ કલેકટર એસ.કે.લાંગાના શરતી જામીન રદ્દ કરતો આદેશ ફરમાવ્યો હતો.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8