વાઘોડિયા I.T.I.માં અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપનાઓ વહેણમાં તણાઈ ગયા…..
——————-
હાલોલના કંસારાવાવ ગામના બે સગીર મિત્રો કોપરેજ પાસે નર્મદા માઈનોર કેનાલમાં તણાઈ જતા સમગ્ર પંથક શોકાતુર.!!
——————-
રેસ્ક્યુ ટીમે વિશાલનો મૃતદેહ બહાર કાઢી અન્ય લાપતા યુવકની શોધખોળ હાથ ધરી….
@મોહસીન દાલ, ગોધરા
હાલોલ તાલુકાના કંસારાવાવ ગામના બ3 સગીર યુવકો વાઘોડિયા આઈ.ટી.આઈ.કોલેજમાં અભ્યાસ કરીને પરત આવતા કોપરેજ પાસે આવેલ નર્મદાની માઇનોર કેનાલમાં હાથ પગ ધોવા ઉતરતા વેળા અચાનક લપસીને કેનાલના ધસમસતા પ્રવાહમાં ગઈકાલે તણાઈ ગયા હોવાની શંકાઓના આધારે આજ વહેલી સવારથી એન.ડી.આર.એફ. અને ફાયર બ્રિગેડની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં બપોર બાદ કંસારાવાવ ગામના સગીર યુવક વિશાલ ગણપતભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે લાપતા પ્રિતેશ દિલીપભાઈ પરમારની શોધખોળ ચાલુ છે. જો કે કંસારાવાવ ગામે એક જ ફળીયામાં રહેતા કૌટુંબિક સંબંધી આ બન્ને મિત્રો કેનાલમાં તણાઈ ગયા હોવાની ખબરો સાથે મોટી સંખ્યામાં સ્વજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
કોપરેજ ગામની માઇનોર કેનાલમાં શનિવારે બે યુવકો રહસ્યમય રીતે કેનાલ માં પડ્યા હોવાની જાણ હાલોલ પોલીસ ને થતા પોલીસે ફાયર બ્રિગેડને બોલાવી કેનાલમાં શોધખોળ આરંભી હતી પરંતુ સાંજ સુધી યુવકોનો પતો ન લાગતા આજે સવારે એનડીઆરએફ ની ટીમની મદદ લેવામાં આવી હતી, અને બંને યુવકો ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
હાલોલ કંસારાવાવ ગામે રહેતા અને વાઘોડિયા આઈટીઆઈ કોલેજમાં અભ્યાસ કરતા બે સગીર યુવકો ગઈ કાલે કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તેમની શોધખોળ કરી રહ્યા હતા. હાલોલ પાસે આવેલા કોપરેજ ગામે પસાર થતી નર્મદા ની માઇનોર કેનાલમાં રહસ્યમય રીતે ડૂબેલા બંને યુવકો કંસારા વાવના ગૂમ થયેલા યુવકો હોવાની શંકાઓ આજે બપોરે દૂર થઈ હતી.
આજે બપોરે બાદ એનડીઆરએફ ની ટીમને એક યુવક નો મૃતદેહ શોધી કાઢવા માં સફળતા મળી હતી. જે યુવક નો મૃતદેહ મળી આવ્યો છે, તે યુવક કંસારવાવ ગામના ગૂમ થયેલા બે યુવકો પૈકીનો એક હોવાની પુષ્ટિ થતા કેનાલ માં પડેલા બંને યુવકો કંસારવાવ ના જ હોવાનું સામે આવ્યું છે. કેનાલ માંથી મળેલો મૃતદેહ કંસારવાવ ના વિશાલ ગણપતભાઈ પરમાર નો છે. જે વાઘોડિયા આઈટીઆઈ માં ફિટર ના ટ્રેડ માં અભ્યાસ કરતો હતો. તેની સાથે અન્ય યુવક હિતેશ દિલીપભાઈ પરમાર હતો જે પણ આઈટીઆઈ ના અન્ય ટ્રેડ માં અભ્યાસ કરતો હતો. બંને યુવકો સબંધે કૌટુંબિક કાકો ભત્રીજો હોવાનું તેમના પરિવારજનો એ જણાવ્યું હતું.
બન્ને યુવકો એ વાઘોડિયા આઈટીઆઈ માં એડમિશન લીધું હતું અને શુક્રવારથી જ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો હતો. પહેલા દિવસે એસટી બસમાં ગયેલા બંને યુવકો બીજા દિવસે એટલે કે શનિવારે મોટર સાયકલ લઈને આઈટીઆઈની કોલેજમાં ગયા હતા, જેવો પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ તાલુકાના કોપરેજ નજીક બંને યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. આજે 24 કલાક જેટલા સમય ની શોધખોળ પછી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે અન્ય યુવકને શોધવા હાલ એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમો પ્રયાસો કરી રહી છે.