હાલોલ ન.પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે B.S.N.L.ના મોબાઈલ ટાવરના બાકી વેરા વસુલાત માટે વિજ જોડાણ સ્થગિત કરીને સીલ કરવામાં આવ્યો.!!
@મોહસીન દાલ,ગોધરા
હાલોલ નગર પાલિકાના હદ વિસ્તારના કાર્યરત ટેલિકોમ કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવરના બાકી વેરાના અંદાજે ₹ ૩૮ લાખની વેરા વસૂલાતો સામે ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા જે તે ટેલિકોમ કંપનીઓને હાલોલ પાલિકાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ મારફતે નોટીસ ફટકારીને જાણ કરવામાં આવી હતી. આ નોટીસનો સમયગાળો પૂર્ણ થઈ ગયા બાદ હાલોલ ન.પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા એ.બી.એસ. નગર વિસ્તારમાં નાંખવામાં આવેલા બી.એસ.એન.એલ ના મોબાઈલ ટાવરના બાકી લેણાના અંદાજે ₹ ૫ લાખની વસુલાત ઝુંબેશમાં નગર પાલિકા દ્વારા આપવામાં આવેલ આકારણી રદ કરીને નગર પાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૧૩૩ હેઠળ એમ.જી.વી.સી.એલ.ના સત્તાધીશોને સાથે રાખીને વિજ પુરવઠો સ્થગિત કરીને સીલ મારીને બાકી વેરા વસુલાતની આકરી કાર્યવાહીઓ શરૂ કરતા ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
હાલોલ નગર વિસ્તારમાં આવેલ ૩૦ થી વધારે મોબાઈલ ટાવરો ઉભા કરવામાં સૈદ્ધાંતિક કે તાંત્રિક મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? અને આ મોબાઈલ ટાવરો પૈકી નગર પાલિકા ના ચોપડે કેટલા ટાવર નોંધાયેલા છે ? અને તેની બાકી વેરા વસુલાત કેટલી છે આ સવાલોના જવાબો અંગે એક જાગૃત નાગરીક દ્વારા માહિતી માંગવામાં આવતા ટેલિકોમ કંપનીઓના બોગસ મોબાઈલ ટાવરો નગરમાં આવેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના ચોપડે માત્ર ૧૯ મોબાઈલ ટાવર નોંધાયેલા છે. અને ભૂતકાળમાં આ ટાવરોના લાખો રૂપિયાની વેરા વસુલાત કરવામાં પાલિકા નિષ્ક્રિય રહેતા હાલોલ ન.પાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકર દ્વારા આવા મોબાઈલ ટાવરો ઉપરથી ટેલિકોમની સેવા આપતા, જીઓ, વોડાફોન, બી.એસ.એન.એલ. અને એરટેલ જેવી મોટી કંપનીઓને બાકી વેરાની ₹ ૩૮,૧૫,૫૬૯/-ની ભરપાઈ કરી દેવા અંગે જાહેર નોટીસ તા.૨૪’ મે ૨૦૨૩ ના રોજ ન.પાલિકાના @HalolNagar1994 નામના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલના માધ્યમથી જાહેર કરી હતી.
હાલોલના એક જાગૃત નાગરીક ગોપાલભાઈ શેઠ દ્વારા હાલોલ નગરમાં ગેરકાયદે ઉભેલા આવા ટેલિકોમના મોબાઈલ ટાવરોની માહિતી માટે આયોગના દ્વાર ખટખટાવતા રેલો હાલોલ નગર પાલિકા સુધી આવ્યો હોય તેવી સંભાવનાઓ છે.તેમજ કમિશ્નર દ્વારા પણ ગંભીર નોંધ લેવામાં આવતા વેરા વસુલાતની કામગીરી ન.પાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ જે મોબાઈલ ટાવરો સૈદ્ધાંતિક મંજૂરીઓ મેળવ્યા વગર ઉભા કરી દેવામાં આવ્યા છે તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવે તે પણ જરૂરી છે.!!