(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
હળવદના ભલગામડામાં સર્વે નંબર .૨૨૯ની જમીન ઉપર સાત શખ્સોએ કબ્જો કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત થયેલી વિગત મુજબ
હળવદના આનંદ પાર્કમાં રહેતા જયેશભાઇ વાસુદેવભાઇ કારોડીયાએ આરોપીઓ બાજુબેન માવુભાઇ રજપુત, ઘનશ્યામભાઇ માવુભાઇ રજપુત, વીરમભાઇ માવુભાઇ રજપુત, ગગજીભાઇ માવુભાઇ રજપુત, નારસંગભાઇ માવુભાઇ રજપુત, રાજુભાઇ માવુભાઇ રજપુત અને કસુબેન માવુભાઇ રજપુત વિરુદ્ધ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં સર્વે નંબર.૨૨૯ની જમીન હે.૧-૧૪-૩૨ ચો.મી. ખાતા નંબર ૬૭૬ની તેમની માતા જયાબેન વાસુદેવભાઇ પટેલના નામે આવેલી છે. અને આ જમીન વર્ષ -૨૦૦૮માં તેમણે ભલગામડા ગામના માવુભાઇ કુકા ભાઇ રજપુત પાસેથી ખરીદી હતી. જે જમીનનો દસ્તાવેજ નંબર. ૨૮૨૪ વાળો છે. જે તારીખ .૨/૭/૨૦૦૮ થી નોંધાયેલ છે. અને આ જમીન જયેશભાઇની માતાએ ખરીદ કર્યા બાદ સને-૨૦૧૧ સુધી જયેશભાઇ આ જમીનમાં વાવેતર કરી ઉપજ મેળવતા હતા. આ
જમીન માં ભલગામડામાં રહેતા આરોપીઓએ ગેરકાયદેસર રીતે બળજબરી પુર્વક કબ્જો કરીને જમીનમાં વાવેતર કરી આર્થિક ઉપજ મેળવે છે. અને આરોપીઓ માથાભારે અને ઝનૂની સ્વભાવના હોય એક વર્ષ પહેલા જયેશભાઇ તેમના ભાઈ અને કાકા સાથે જમીન પરત આપવા માટે કહેવા ગયા હતા ત્યારે આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ‘ફરીથી આ જમીનમાં આવતા નહીં નહીંતર તમારા હાથપગા ભાંગી નાખીશુ’ તેમ કહી ઝઘડો કર્યો હતો. જયેશભાઇએ અવાર નવાર આરોપીઓને તેમની જમીન ખાલી કરવા સમજાવેલા પરંતુ આજદિન સુધી તેમની જમીન પરત આપેલી નથી. જેથી જયેશભાઇએ આરોપીઓની વિરૂધ્ધ કલેકટર કચેરી મોરબી ખાતે લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી.જેની તપાસના અંતે મોરબી કલેકટરના અધ્યક્ષ સ્થાને તારીખ.૨૪/૪/૨૦૨૩ ના રોજ યોજાયેલ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ની બેઠકમાં એફ.આઇ. આર દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જે મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.