@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
હળવદ તાલુકાના વાંકીયા ગામે ઘોડાધ્રોઈ નદીના પટના ખનીજ ચોરી થયાની ઘટના સામે આવી હતી. આ બાબતે ભુસ્તરશાસ્ત્રી દ્વારા આરોપીને કસુવાર ઠેરવવામાં આવ્યો હતો અને તેને દંડની રકમ ભરવાનું પણ કહેવામાં આવ્યું હતું. પરંતુ દંડની રકમ ન ભરતા અંતે ભુસ્તરશાસ્ત્રીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. ખાણ ખનીજ વિભાગ નાં માઈન્સ સુપરવાઈઝર ફરિયાદી ગોપાલભાઈ કિશોરભાઈ ચંદારાણાએ આરોપી વિજયભાઇ લાલજીભાઇ વડસોલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગઇ તારીખ ૧૫-૩ નાં રોજ મોરબી જીલ્લાના હળવદ તાલુકાના વાંકીયા ગામના ઘોડાધ્રોઈ નદી પટ વોકળા પૈકીના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન આ વિસ્તારમાં બ્લેકટ્રેપ ખનીજનું ખોદકામ તેમજ એક પીળા રંગનું JCB કંપનીનું એસ્કેવેટર મશીન જેના GJ-03-EA-8207 પડ્યું હતું. આ માટે ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ દ્વારા કોઈ કવોરી લીઝ કે પરમીટ આપવામાં આવેલ નથી. જેથી આ JCB દ્વારા બિન-અધિકૃત રીતે બ્લેકટ્રેપ ખનીજનું ખનન કરવામાં આવતું હતું. જેથી JCBને ભુસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા સીઝ કરીને તેનો મેમો તથા JCB વાંકીયાના સરપંચની કસ્ટડીમાં રાખવામાં આવ્યું હતું. જે બાદ તારીખ ૧૬-૩-૨૦૨૩ના રોજ વાંકીયા ગામના પંચો તેમજ JCB માલિક વિજયભાઇ લાલજીભાઇ વડસોલાની હાજરીમાં ખોદકામ વાળા વિસ્તારની માપણી કરતાં કુલ ૩૩૯૦,૦૯ મેટ્રિક ટન બ્લેકટ્રેપ ખનીજનું બિન અધિકૃત ખનન થયું હોવાનું સાબિત થયું હતું.
જેથી પ્રતી મેટ્રિક ટનના રૂપિયા ૩૧૫ લેખે ગણતરી કરતાં રૂપિયા ૧૦,૬૭,૮૭૯નો દંડ વિજયભાઇને ફટકારવામાં આવ્યો હતો. તેમજ સીઝ કરેલ વાહન મુક્ત કરવાની એસ્કેવેટર મશીનની કમ્પાઉન્ડ ફીની રકમ રૂપિયા બે લાખ થતી હતી. જે પણ વિજયભાઇ પાસેથી વસુલવાપાત્ર થતી હતી અને બ્લેકટ્રેપ ખનિજ માટે ખનિજ કિંમત રૂપિયા ૩૧૫ પ્રતિ મે.ટનના ૨૬% લેખે કુલ રૂપિયા ૨,૭૭,૬૪૯ પર્યાવરણીય નુકશાની વળતરની રકમ ડી.એમ.એફ ટ્રસ્ટ હેઠળ વસુલવાની થાય છે. આમ, કુલ રૂપિયા ૧૫, ૪૫,૫૨૮ વસુલવા પાત્ર થતાં હતા. જે અંગે ભુસ્તર શાસ્ત્રી દ્વારા વિજયભાઇ લાલજીભાઇ વડસોલાને જાણ કરવામાં આવી હતી અને JCBની માલિકી અંગેના આધાર-પુરાવા રજુ કરવા તારીખ ૨૧/૩/૨૦૨૩ ના રોજ જાણ કરી હતી. તેમજ તારીખ ૨૪/૩/૨૦૨૩ના રોજ નોટીસ પાઠવી હતી. જેથી વિજયભાઇએ ભુસ્તરશસ્ત્રીની કચેરી, મોરબી ખાતે રૂપિયા ત્રણ સો નાં સ્ટેમપ પર સોગંદનામુ રજુ કરી અને દંડની રકમ ભરપાઇ કરી કેસ સમાધાન કરવા સહમતિ દર્શાવવામાં આવી હતી. પરંતુ વિયજયભાઇએ આજ-દિન સુધી દંડની રકમ ભરપાઇ કરી નથી.
જેથી ભુસ્તરશાસ્ત્રી દ્વારા તારીખ ૧૩/૪/૨૦૨૩ના રોજ વિજયભાઇને દંડની રકમ ભરપાઇ કરવા અંગેનો હુકમ કરવામાં આવ્યું હતો પરંતુ કોઈ પ્રયુત્તર ન મળતા ભુસ્તરશાસ્ત્રી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.