◆ સરકારની યોજના અંતર્ગત બાળકીનું કરાયું નિ:શુલ્ક ઓપરેશન, હસતી-રમતી લક્ષ્મીને જોઈ પરીવાર માની રહ્યો છે સરકારનો આભાર
@mohsin dal, godhara
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોઠડા ગામે રહેતા મુકેશભાઈની દીકરી હેમાને એક દિવસ અચાનક શ્વાસ ચઢતા અને ચહેરા પર ફિકાશ જણાતાં તેના માતા – પિતાને ચિંતા થવા લાગી. આ દરમિયાન ટીંબાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગતની ટીમના ડૉ. પંકજ મકવાણા, ડૉ. સુરભી પટેલ અને ટીમે મુલાકાત લઈ હેમાની પ્રાથમિક તપાસ કરી તો હૃદયમાં કોઈ તકલીફ હોવાનું જણાયું તેથી આ ટીમે આ બાળકીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સઘન તપાસ કરાવવા લઇ જવા માટે હેમાના માતા- પિતાને સમજણ આપવામાં આવી હતી. આ બાળકીને RBSK ટીમ દ્વારા જરૂરી મંજૂરી સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઈ જવામાં આવી. જ્યાં યુ.એન. મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા હૃદયમાં જન્મજાત કાણું હોવાનું નિદાન કર્યુ અને તેનું ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું.
હાલ હેમા એકદમ તંદુરસ્ત છે, હેમાને હસતી-રમતી જોતા તેના માતાપિતાના મોઢા ઉપર અપાર ખુશી જોવા મળે છે. તેના પિતા મુકેશભાઈ ખૂબ જ ગદગદિત બનીને સરકારનો આભાર માને છે અને જણાવે છે કે મારી દીકરીને આવડું મોટું ઓપરેશન કરાવવા પાછળ મારે એક પણ પૈસાનો ખર્ચ કરવો પડ્યો નથી, આ બધો જ ખર્ચ સરકાર દ્વારા જ ભોગવવામાં આવેલ છે. તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલના ડોક્ટરો, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને ટીંબાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આરબીએસકે ટીમનો આભાર વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મથી લઈ ૧૮ વર્ષ સુધીના બાળકોને જો કોઈ જન્મજાત ખોડખાંપણ હોય કે અન્ય રોગ હોય તો તેની સારવાર અને તેના માટે જરૂરી ઓપરેશન સરકારની યોજનાકીય સહાય થકી વિનામૂલ્યે કરાય છે.
આવો જાણીએ RBSK યોજના શું છે?
● RBSK યોજનાનું પૂરું નામ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
છે.જેમાં હેઠળ ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર મળવાપાત્ર થાય છે. શાળાએ જતા અને શાળાએ ન જતા, આંગણવાડીમાં પ્રવેશ મેળવેલ ૦ થી ૬ વર્ષના બાળકો તેમજ પ્રવેશ મેળવેલ ન હોય તે તમામ બાળકો ઉપરાંત ૬ વર્ષથી વધુ અને ૧૮ વર્ષ સુધીના સરકારી કે ખાનગી શાળામાં અભ્યાસ કરતા તેમજ અભ્યાસ ન કરતા તમામ બાળકોની આરોગ્ય સુખાકારી હેતુ સદર યોજનાનો લાભ મળે છે.
આ યોજના હેઠળ જરૂરી પુરાવા
૧.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ દ્વારા કરેલ દરખાસ્ત
૨.સંદર્ભ કાર્ડ (આરોગ્ય કેન્દ્ર મારફતે ઉપલબ્ધ થઈ શકશે.)
૩.જન્મનો દાખલો
૪.રેશન કાર્ડ/તલાટી કમ મંત્રી અથવા મામલતદારના પાંચ વર્ષના રહેવાસીનું પ્રમાણપત્ર
અરજી કેવી રીતે કરવી
◆ ગ્રામ્ય કક્ષાએ- R.B.S.K- મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા સંદર્ભ કાર્ડ ભરી સંબંધિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ દ્વારા રાજ્યકક્ષાએ અરજી કરવાની રહેશે.
•મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી
મહાનગર પાલીકા કક્ષાએ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થની કચેરી, રાજ્યકક્ષાએ- કમિશનર (આરોગ્ય)ની કચેરી-ગાંધીનગર
•આ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નથી.