@મોહસીન દાલ, ગોધરા
હાલોલ તાલુકાના નવાગામ બાંધેલી વિસ્તારમાં ૨૦ દિવસ પહેલા આવેલા વાવાઝોડાએ અનેક વીજ પોલ તૂટી પડ્યા હતા અને કેટલીક વીજ લાઈનો ક્ષતિગ્રસ્ત બની હતી. વીજ કંપનીના સત્તાધીશો દ્વારા આ લાઈનોનું રીપેરીંગ અને મરામત કામ નહિ કરવામાં આવતા ખેડૂતો ૨૦ દિવસથી વીજળીના અભાવે સિંચાઈ માટે પાણી નથી મેળવી શકતા, જેને લઈ ખેતીને ભારે નુકસાન થઈ રહયુ છે.
ખેડૂતોએ ચોમાસુ પાક લેવાની તમામ તૈયારીઓ કરી દીધી છે, તો કેટલાક ખેડૂતો વાવણી કરી રહ્યા છે, ત્યારે વીજળીના અભાવે ખેતરોમાં પાણી મૂકી શકાતું ન હોવાથી ગુલાબના ફૂલો અને કપાસની ખેતીની સાથે ચોમાસા માટે વાવણી કરેલા કપાસને ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ વિસ્તારના ગામડાઓમાં બે ફીડર ઉપ૨થી ખેતીના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે જે પૈકી જાંબુઘોડા ફીડરની લાઇન છેલ્લા ૨૦ દિવસથી બંધ હોવાથી આ ફીડરના કનેક્શન ધારક ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.
ખેડૂતો પાસે ખેતીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં વીજળીના અભાવે પોતાનો પાક બચાવવા પાણી મૂકી શકતા નથી હાલ ખેડૂતો દ્વારા કપાસ તથા ફૂલોની ખેતી કરવામાં આવી છે. તો કેટલાક ખેડૂતો કપાસનું વાવેતર કરી રહ્યા છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કરી દીધું છે, તે ખેડૂતોને મોંઘુ બિયારણ નિષ્ફળ જશે તેની ચિંતા છે. જાંબુઘોડા એમ.જી.વી.સી.એલ. કચેરી દ્વારા સત્વરે કામગીરી કરવામાં આવે અને ખેતી માટેનો વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.
ખેતરોમાં છૂટી છવાઈ વસ્તી ધરાવતા ખેડૂતોના મકાનોમાં હાલ વાપરવા અને પીવાના પાણીની અન્ય કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો બોરમાં ઉતારેલી મોટર ઉપર જ નિર્ભર હોવાથી લગભગ ૧૦ થી ૧૫ જેટલા પરિવારોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પશુઓને પીવાનું પાણી પણ દૂર દૂર હેન્ડ પંપ ઉપરથી મેળવવું પડે છે. ખેડૂતો પાસે ખેતી સિંચાઈ માટે તમામ સાધનો ઉપલબ્ધ હોવા છતાં વીજળીની લાઇટોના અભાવે પાણી ખેડૂત ખેતીનું પાણી મૂકી શકતા નથી, જેને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ છે. આ વિસ્તારની અંદર હાલોલ અને જાંબુઘોડા પંથકની બે ખેતીની લાઈનો પસાર થઈ રહી છે. વિજ પુરવઠો ચાલુ કરવા માટે જાંબુઘોડા એમ.જી.વી.સી.એલ કચેરીને રજૂઆત કરી હોવા છતાં લાઈન રીપેરીંગનું કામ પૂરું કરવામાં આવતું નથી અને ૨૦ દિવસથી વીજ પુરવઠો ચાલુ કરવામાં આવતો નહીં હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. હાલ ફૂલોની ઉભી ખેતી છે અને કેટલાક ખેડૂતોના કપાસ પણ ઉભા છે તે પણ સુકાઈ રહ્યા છે. વીજ પ્રવાહના અભાવે ૨૦ દિવસથી પાણી મૂકી શકાયું નથી. પાક બચી જશે તો પણ પૂરતો ઉતારો નહીં મળે જેથી નુકસાન તો વેઠવું જ પડશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.