આજના સમયમાં આપણે જોઈએ તો એકબીજાની દેખાદેખીમાં રિવાજો નવા નવા બનતા જાય છે. શોખ નવા નવા અપનાવતા જઈએ છીએ. એકબીજાની દેખાદેખી અને મોટાઈ બતાવવામાં માણસ કારણ વગરનો ખર્ચ કરે છે આજે ફેશનના નામે દરેક માણસ કે પરિવાર અઢળક રૂપિયો ખર્ચ કરે છે જે કામ હાથે થઈ શકે તેમ છે તો પણ માણસ એ કામ જાતે કરવા તૈયાર નથી.
જે વસ્તુ વિના ચાલી શકે પણ નવી ફેશનના રવાડે ચડી નવી વસ્તુઓની ખરીદી કરી આવે છે. આજે જે પ્રકારે માણસ દેખાદેખીમાં આવી પોતાના ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો પણ પોતાની મોટાઈ બતાવવા અઢળક ખર્ચો કરતો થઈ ગયો છે. માણસને જાણે પૈસાનું મૂલ્ય જ ખબર નથી પણ એ જ માણસ પૈસા માટે સતત બેંકમાં લોન લેવા માટે દોડાદોડી કરે છે. લોકો પાસે ઉછીના પાછીના લેવા માટે દોડાદોડી કરે છે અને પછી એ જ માણસ વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે અને દિવસેને દિવસે ઊંડો ઉતરતો જાય છે જ્યારે એ માથા ઉપર થી પસાર થઈ જાય પછી ટેન્શનમાં આવી જાય છે, પછી ખોટા નિર્ણયો લેવામાં આવે છે, ઘણી વખત આત્મહત્યા સુધીના પગલાં માણસ ભરી લે છે.
એ જ માણસે પોતાની આવકનું ધ્યાન રાખવું જોઈએ અને પોતાની જેટલી આવક હોય એના કરતાં ઓછો ખર્ચ થાય તે ધ્યાન રાખવું જોઈએ.આપણી પરિસ્થિતિ પરિવારને પણ ખબર હોવી જોઈએ. એટલે પરિવાર પણ ખોટો ખર્ચ કરતા બચે. આજે નાના બાળકોથી લઈને યુવાનો ખોટા ખર્ચ કરે છે અને એટલા માટે જ આજે દરેક માણસ આર્થિક ભીડ સંકળામણ અનુભવે છે.
આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય એટલે માણસ અને પરિવાર બરબાદ થઈ જાય છે. માણસે પોતાની આવક ઉપર પ્રથમ ધ્યાન આપવું જોઈએ. જેમની આવક ઓછી છે તેમને ખર્ચ કરવામાં પણ મર્યાદા રાખવી જોઈએ. આજે જન્મદિવસ લગ્ન દિવસ સહિત એટલા બધા નવા નવા પ્રસંગો દેખાદેખી માં ઉજવતો થઈ ગયો છે કે વાત ન પૂછો જે માણસને સમયાંતરે બરબાદ કરી રહ્યો છે. અગાઉના જમાનામાં જન્મદિવસ જેવા પ્રસંગોની ઉજવણી ઘરે જ પકવાન બનાવી ઘર મેળેજ થઈ જતી હતી, જે આજે કેક કટીંગ થી માંડી મોટી હોટલોમાં પાર્ટી સુધી પહોંચી ગઈ છે.
બાજુવાળા ના ત્યાં ગાડી છે તો મારે પણ ગાડી જોઈએ. પણ પોતાની આવક કેટલી છે એ માણસ જોતો નથી અને દેખાદેખીમાં ગાડીઓ લઈને ફરે અને આખો દિવસ જલસા કરી લોનના હપ્તા ભરતા ભરતા માણસ કંટાળી જાય. આજે તો માણસ મોંઘાદાટ મોબાઈલ ખરીદવા પાછળ માટે પણ લોન લેતો થઈ ગયો છે અને કપડાથી લઈ દરેક બાબતમાં માણસ ખૂબ જ દેખાદેખી કરે છે અને એટલા માટે જ માણસ આર્થિક ખેંચમાં રહે છે.
પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોય તો પણ બસ દેખાદેખીમાં શહેરમાં રહેવા જવું બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા અને અવનવી ઉજવણી કરવી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કામ કરતો નથી એટલે માણસ આર્થિક ભીડમાં દિવસે અને દિવસે ખૂંપાતો જાય છે. માણસે પોતાની આર્થિક સ્થિતિ શું છે? તમારી આવક કેટલી છે? એની ઉપર નજર રાખી ખર્ચ કરવો જોઈએ.
‘દેવું કરીને દવા કરાવી પડે પણ દેવું કરીને જલસા ન કરાય’. સાદુ જીવન જીવશો તો નાના બાપના નહીં થઈ જાઓ. પણ દેવાદાર બનીને આબરૂ કાઢશો તો ગામ આખું જોશે અને કોઈ સાથ પણ નહિ આપે. ટેન્શનમાં આવશો તો જિંદગી ખરાબ થઈ જશે અને એટલે જ માણસને પોતાની આવક મુજબ ખર્ચ કરવાનું રાખવું જોઈએ. બિનજરૂરી ખર્ચ કરી દેવાદાર ન બનવું જોઈએ. બેંક લોન આપે છે. પણ એ વ્યાજ સાથે વસુલે છે. અને જો હપ્તા નહીં ભરી શકો તો આબરૂ જશે. એટલે જ માણસે રુપિયા લઈ જલસા કરવા એ મૂર્ખામી છે એનું ધ્યાન રાખવું. ઉછીના રૂપિયા લઇ જલસા કરવા એ બહાદુરી તો નથી જ
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU