લોસકભા ચૂંટણી માટે વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરી દીધું છે. આજે બનાકાંઠાના ડીસામાં પ્રથમ જનસભા સંબોધ્યા બાદ વડાપ્રધાન સાબરકાંઠાના હિંમતનગર ભાજપની વિજય વિશ્વાસ સભાને સંબોધવા આવી પહોંચ્યા. આ જનસભામાં વડાપ્રધાને સાબરકાંઠા, મહેસાણા, પાટણ, તેમજ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો.
દેશ માટે માત્ર હું સેવક છું : વડાપ્રધાન મોદી
તેમણે કહ્યું કે, મારો સાબરકાંઠા સાથે ઘણો જૂનો સંબંધ છે. સાબરકાંઠામાં પેઢીઓ બદલાઈ ગઈ, છતાં તેમનો મારા પ્રત્યેનો પ્રેમ હજુ પણ એમનો એમ છે. તમારા આશિર્વાદના કારણે મને તમારા પર ખૂબ ભરોસો છે. કદાચ વિશ્વના લોકો મને વડાપ્રધાન તરીકે ઓળખતા હશે, પરંતુ દેશ માટે હું માત્ર સેવક છું. હું દેશવાસીઓ માટે સેવાનું વ્રત લઈને નિકળ્યો છું. હું અહીં અનેકવાર આવ્યો છું, પણ હું આજે તમારી પાસે કંઈ માંગવા માટે આવ્યો છે. જ્યારે સરકારી કાર્યક્રમો હોય છે, ત્યારે હું યોજનાઓ, શિલાન્યાસ, ઉદઘાટન કરવા આવતો હોવ છું, પરંતુ આજે હું તમારી પાસે માંગવા આવ્યો છું. દેશ ચલાવવા મને સાબરકાંઠા પણ જોઈએ અને મહેસાણા પણ જોઈએ. મને ખાત્રી છે કે, તમે બધા સાતમી તારીખે અભૂતપૂર્વ મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશો.
આજે જમ્મુ-કાશ્મીરમાં તિરંગો ગર્વથી લહેરાયો છે
વોટ બેંકના રાજકારણમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને કોંગ્રેસે ફગાવી દીધું. તેઓ વોટબેંકના રાજકારણમાં એટલા ડૂબી ગયા છે કે તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેઠા છે. તેઓ કહેતા હતા કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવશે તો દેશ વિખૂટા પડી જશે, લોહીની નદીઓ વહી જશે, પરંતુ તેઓ નથી જાણતા કે આ મોદી છે, આજે જમ્મુ-કાશ્મીરમાં તિરંગો ગર્વથી લહેરાયો છે.
આ કોંગ્રેસી લોકો દેશને ડરાવતા હતા કે રામ મંદિર બનશે તો દેશમાં આગ લાગશે. પરંતુ રામ મંદિર ખૂબ જ ગૌરવ સાથે પૂર્ણ થયું અને. દેશ તેને તહેવાર તરીકે ઉજવતો હતો. દેશમાં આગ નથી, પરંતુ કોંગ્રેસના દિલમાં લાગેલી આગને કોઈ બુઝાવી શકતું નથી.
મુસ્લિમ બહેનો વોટબેંકની રાજનીતિનો ભોગ બની
દેશમાં આપણી મુસ્લિમ બહેનો વોટબેંકની રાજનીતિનો ભોગ બની છે. શાહબાનો કેસમાં તેઓએ (કોંગ્રેસ) સુપ્રીમ કોર્ટનું અપમાન કરીને કાયદો બનાવ્યો અને મુસ્લિમ બહેનોને રક્ષણ આપ્યું નહીં. આજે કોંગ્રેસના રાજકુમારો બંધારણને લઈને ઘૂમી રહ્યા છે. જ્યારે ટ્રિપલ તલાકને નાબૂદ કરવાથી માત્ર મુસ્લિમ બહેનોને જ નહીં, પરંતુ સમગ્ર પરિવારને પણ સુરક્ષા મળી છે.
કોંગ્રેસ ખુલ્લેઆમ દેશના ભાગલાની વાત કરે છે
કોંગ્રેસ 60 વર્ષ સુધી સત્તામાં રહી, પરંતુ આજે તેમની હાલત દયનીય છે. તેઓ ખુલ્લેઆમ દેશના ભાગલાની વાત કરે છે. 1947માં ભાગલા વખતે આપણા દેશે ઘણું સહન કર્યું. જો કે, તેઓ હજુ પણ વિભાજન વિશે વાત કરવાની હિંમત કરે છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પાસે એક જ વ્યૂહરચના છે અને તે છે દેશમાં અરાજકતા અને અસ્થિરતા ફેલાવવાની. તેઓ માત્ર મોદીને બદનામ કરવા માગે છે.
કોંગ્રેસના સપનાઓ રાખ થઈ ગયા
મોદીનું કામ જોઈને કોંગ્રેસના રાજકુમારને તાવ આવે છે અને તાવમાં વ્યક્તિ કંઈ પણ બોલે છે. રાજકુમાર કહી રહ્યા છે કે મોદી ત્રીજી વખત આવશે તો દેશમાં આગ લાગી જશે. તેના મનમાં આગ ક્યાંથી આવી તે ખબર નથી. વાસ્તવમાં કોંગ્રેસના સપનાઓ રાખ થઈ ગયા છે.
EVMના મુદ્દે સુપ્રીમે કોંગ્રેસને જોરદાર તમાચો માર્યો
આજે પણ કોંગ્રેસ જ્યારે પણ તેઓ ચૂંટણી હારે છે ત્યારે તેઓ બહાનું શોધે છે અને કહે છે કે EVMએ તેમને હરાવ્યાં, અને જો કોંગ્રેસ ચૂંટણી જીતે તો… ચૂપ. હવે સુપ્રિમ કોર્ટે તેમને જોરદાર તમાચો માર્યો છે.