આજ રોજ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સી. યુ. શાહ મેડિકલ હોલ, જી.આઇ.ડી.સી. વઢવાણ ખાતે ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે શિક્ષણક્ષેત્રે નવતર પ્રયોગો થઈ રહ્યા છે, શિક્ષણનું સ્તર વધ્યું છે અને શિક્ષણ આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિનની’ ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકનું સમાજમાં વિશેષ સ્થાન છે કારણ કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો હોય છે. આજનો દિવસ વિદ્યાર્થીઓએ શિક્ષકો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. શિક્ષક રાષ્ટ્રનિર્માણમાં પણ વિશેષ યોગદાન આપે છે. કોઈપણ દેશ કે રાજ્યની પ્રગતિ શિક્ષણ વિના ન થઈ શકે. આજે શિક્ષણક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં આવી રહી છે આ શિક્ષણનીતિમાં તમામ પાસાઓને આવરી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે, તેનો સર્વાંગી વિકાસ થાય તેવા પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને શિક્ષક દિને ‘શ્રેષ્ઠ શિક્ષક’ પારિતોષિક આપી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો થકી સન્માનિત શિક્ષક અન્ય માટે પ્રેરણારૂપ બને છે. આ તકે નાયબ મુખ્ય દંડકશ્રીએ સન્માનિત શિક્ષકોને શુભેચ્છા પાઠવી આગામી સમયમાં ઝાલાવાડના શિક્ષકો રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વધુમાં જગદીશભાઈ મકવાણાએ આગામી શિક્ષક દિવસથી દર વર્ષે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે પ્રાથમિક, માધ્યમિક, ગ્રાન્ટેડ સહીતની શાળાઓમાં સરાહનીય કામગીરી કરનાર કુલ 31 શિક્ષકોને તેઓ સન્માનિત કરશે અને તેઓના ઉત્સાહને વધારવામાં મદદરૂપ બનશે તેવી વાત પણ કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પારિતોષિક પ્રાથમિક વિભાગમાંથી મુળી તાલુકાના મદદનીશ શિક્ષક પ્રદીપકુમાર નરેન્દ્રભાઈ દવે તેમજ શ્રી તુષારકુમાર મનસુખલાલ હાલાણીને તેમજ જિલ્લા કક્ષાના પારિતોષિક પ્રાથમિક વિભાગમાંથી ચોટીલા તાલુકાના મુખ્ય શિક્ષકશ્રી નીતાબેન પરબતભાઈ બાલસ, માધ્યમિક વિભાગમાંથી લીંબડી તાલુકાના મદદનીશ શિક્ષકશ્રી હિતેષકુમાર કિશોરભાઈ પંડ્યા તેમજ પ્રાથમિક HTAT વિભાગમાંથી થાનગઢ તાલુકાના મુખ્ય શિક્ષકશ્રી સંદીપકુમાર ચંદુભાઈ પાઠકને એમ એકંદરે તાલુકા કક્ષાના 2 અને જિલ્લા કક્ષાના 3 શિક્ષકોને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પુરસ્કાર અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, જ્ઞાનસેતુ કોલરશીપ તેમજ જ્ઞાનસાધના સ્કોલરશીપ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ મહાનુભાવોના વરદહસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા કલેકટર કે.સી. સંપટે તેમજ સુશ્રી વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા તેમજ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન તેમજ મા સરસ્વતીના ચરણોમાં પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્યથી કરી હતી. જિલ્લા શિક્ષણાધિકારી કે. એન. બારોટે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ પરમારે આભાર વિધિ કરી હતી.
આ પ્રસંગે દસાડા ધારાસભ્ય પી.કે પરમાર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ મુંજપરા સહિતના પદાધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યા, પ્રોબેશનરી આઈ.એ.એસ. હિરેન બારોટ, જિલ્લા શિક્ષણાધિકારી કે.એન બારોટ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ પરમાર,જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય સી. ટી. ટુંડિયા, શિક્ષણ સંઘના પ્રમુખ, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ તેમજ અગ્રણી મહેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8