@partho alkesh pandya
સમગ્ર વિશ્વમાં સામાજિક ચેતનાની આહલેક જગાવનાર ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લાના સંડેર ખાતે રૂપિયા સો કરોડના ખર્ચે ઉત્તર ગુજરાતનું ખોડલધામ સંકુલ આકાર પામનાર છે. 22 ઓક્ટોબરે રાજ્યના મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ની ઉપસ્થિતિમાં સંકુલનો ભૂમિ પૂજન સમારોહ યોજાશે.
સામાજિક એકતાથી રાષ્ટ્ર એકતાનો સંદેશ આપનાર ખોડલધામ કાગવડ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં જુદા જુદા ઝોનમાં કુલ પાંચ સંકુલ બનાવી ધાર્મિકતાની સાથે સાથે શૈક્ષણિક આરોગ્ય કૃષિ સહિતના ક્ષેત્રમાં લોકો ઉપયોગી કાર્યો થઈ શકે તે હેતુથી ખોડલધામ નો વ્યાપ વધારવાનો સંકલ્પ ચેરમેન નરેશભાઈ પટેલ સહિત ટ્રસ્ટીઓએ કર્યો છે ત્યારે ઉત્તર ગુજરાત ઝોનનું પ્રથમ સંકુલ પાટણ તાલુકાના સંડેર ખાતે આકાર પામવા જઈ રહ્યું છે .જે માટે દાતાઓના સહયોગથી તેમજ ટ્રસ્ટ દ્વારા 34 વીઘા જેટલી જગ્યા ખરીદવામાં આવી છે.
આ અંગે માહિતી આપતા ખોડલધામ ના ટ્રસ્ટી અને પાટણના ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે
આ સંકુલમાં કાગવડ ખોડલધામ મંદિર જેવું જ તેનાથી નાનું મંદિર બનશે. આ ઉપરાંત સંકુલમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ ખેડૂતો માટે કૃષિ સંશોધન કેન્દ્ર અને ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવામાં આવશે. જેનાથી ખેડૂતોને કૃષિ અંગેના નવા નવા સંશોધનોની માહિતી મળશે અને ખેડૂતોની આવકમાં વધારો થશે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે માટે યુપીએસસી જીપીએસસી ના વર્ગનું ટ્રેનિંગ સેન્ટર અને ફિઝિકલ ટ્રેનિંગ સંકુલ પણ ઊભું કરવામાં આવશે.
તારીખ 22 ઓક્ટોબર રવિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉત્તર ગુજરાત પ્રદેશના રાજ્યપાલ આનંદ અને રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત સાધુ સંતો મંત્રીઓ ધારાસભ્યો રાજકીય અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતિમાં સંકુલ નું ભૂમિ પૂજન સમારોહ યોજાશે.
2000 થી વધુ સ્વયંસેવકો સેવા આપશે
સંડેર ખાતે યોજાનાર ખોડલધામના ભૂમિ પૂજન સમારોહમાં મોટી સંખ્યામાં પાટીદાર સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહેનાર છે ત્યારે આયોજન સુચારું રૂપે થાય તે માટે 2000 થી વધુ યુવાનો સ્વયંસેવક તરીકે જોડાશે જે માટે ટ્રસ્ટ દ્વારા જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત 400 જેટલી મહિલા કાર્યકરો મહેમાનો તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર લોકોને બેઠક વ્યવસ્થા કરવામાં સેવા આપશે.
કોઈ પ્રકારના આમંત્રણ કાર્ડ વિના મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેશે
ખોડલધામ ટ્રસ્ટની પ્રણાલિકા રહી છે કે ટ્રસ્ટ દ્વારા કોઈપણ પ્રકારના કાર્યક્રમ, મોટા સમારોહ ની આમંત્રણ પત્રિકા કે કાર્ડ છપાવવામાં આવતા નથી માત્ર મૌખિક કે સોશિયલ મીડિયા થકી જાણ કરવામાં આવે છે. આ ઉપરાંત ખોડલધામના કાર્યક્રમોનું નેતાઓ કે વીઆઇપી ઓના હસ્તે ભૂમિ પૂજન કે ઉદ્ઘાટન કરવામાં આવતું નથી માત્ર દાતા પરિવારની નાનકડી બાળાઓના જ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે.