વડાલીના ‘પાર્સલ બ્લાસ્ટ’માં પ્રેમ પ્રકરણ આવ્યું સામે, પ્રેમીને ખતમ કરવા ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું
સાબરકાંઠાના વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં મોટો વળાંક આવ્યો છે. વડાલીમાં થયેલા પાર્સલ બ્લાસ્ટ કેસમાં સૌથી મોટો એક ખુલાસો થયો છે. પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાના પતિએ પ્રેમીને ખતમ કરવા બોક્સમાં એમોનિયમ નાઈટ્રેટ અને ડિટોનેટર ભરીને પાર્સલ મોકલ્યું હતું. પોલીસે હાલ જયંતિ વણજારાની ધરપકડ કરી લીધી છે. પાર્સલમાં જીલેટિન સ્ટીક ભરી રિક્ષા દ્વારા મૃતક જિતેન્દ્ર વણઝારાના ઘરે પહોંચાડ્યું હતું અને પાર્સલ ખોલતાં જ ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતા યુવક જિતેન્દ્ર સહિત બે લોકોના મોત નિપજ્યા હતા. એટલું જ નહીં, કિશોરી સહિત બે ઈજાગ્રસ્ત થયા છે.આખા મામલામાં પ્રેમિકાના પતિએ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે જયંતીભાઈ વણઝારા નામના ઇસમને ઝડપી લીધો છે. પાર્સલમાં જીલેટીન સ્ટીકથી બ્લાસ્ટ કરાયા હોવાનું સામે આવ્યું છે. રેડિયો જેવા ઇન્સ્ટ્રુમેન્ટમાં ફીટ જીલેટિન સ્ટ્રીક કરાયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે રીક્ષા ચાલકને ઝડપી પાડ્યો છે. રીક્ષા ચાલકને પાર્સલ આપતો જયંતીલાલ વણઝારા કેમેરામાં કેદ થઇ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મામલો સામે આવ્યો છે.
રાજસ્થાનના મારવાડી ઈસમ પાસેથી બ્લાસ્ટિંગ કરવા માટેનું ડીટોનેટર જયંતી વણઝારાએ ખરીદયુ હતું. સમગ્ર ઘટના મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કરી પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલો જણાવ્યો હતો.
સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણી ગામમાં અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલા પાર્સલ બ્લાસ્ટ થયું હતું. આ ઘટનાને ગંભીરતાથી લઇને રાજ્યના ગૃહવિભાગે તાકીદે સમગ્ર મામલે ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના ટીમને સમગ્ર કેસની તપાસ માટે સક્રિય કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના દિવસે જ આ ઘટના બનતા એનએસજી, એનઆઈએ સહિતની એજન્સીઓના અધિકારીઓએ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસની 10 જેટલી ટીમને રીક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સક્રિય કરવામાં આવી છે.
ટોચની એજન્સીઓ તપાસમાં જોડાઈ
સાબરકાંઠાના વડાલી તાલુકાના વેડાછાવણીમાં રહેતા જીતેન્દ્ર વણઝારાના ઘરે ગુરૂવારે (બીજી મે) અજાણ્યો રીક્ષા ચાલક પાર્સલ આપી ગયો હતો. જે પાર્સલ ખોલતાની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં જીતેન્દ્ર વણઝારા (30 વર્ષ) અને તેમની પુત્રી ભૂમિ (14 વર્ષ) નું મોત નીપજ્યું હતું. ડીજીપી અને ગૃહવિભાગે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈને તાત્કાલિક અમદાવાદ ક્રાઈમબ્રાંચ, ગુજરાત એટીએસ અને ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીના અધિકારીઓને પાર્સલ બ્લાસ્ટની ઘટનાની તપાસમાં જોડાવવા તાકીદ કરી હતી.
સીસીટીવીના આધારે તપાસ શરૂ
સાબરકાંઠા પોલીસની સાથે ક્રાઈમબ્રાંચ, એટીએસ અને ફોરેન્સિક લેબોરેટરીની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના અધિકારીઓની ટીમ પણ મોકલવામાં આવી હતી. આ ટીમ દ્વારા પાર્સલ બોમ્બ બનાવવાની પેટર્ન અંગે તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે રીક્ષા ચાલકને પાર્સલ આપનાર સ્કૂટર ચાલકને ઝડપી લેવા માટે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી વેડાછાવણી ગામથી જે સ્થળે સ્કૂટર ચાલકે પાર્સલ આપવામાં આવ્યું હતું તે સ્થળ ઉપરાંત, તેની સાથે જોડાયેલા રસ્તાઓ પરના સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.
ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ મામલે રિપોર્ટ માગ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન બ્લાસ્ટની ઘટના બનતા એનઆઈએ, એનએસજીની ટીમને પણ સાબરકાંઠા પહોંચી છે. જો કે, આ ઘટનાને લઈને હવે વડાપ્રધાન મોદીની આગામી ચૂંટણી રેલી અને સભામાં વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
નોંધનીય છે કે, જ્યારે બ્લાસ્ટની ઘટના બની, ત્યારે એવા અહેવાલો મળ્યા હતા કે, ઓનલાઈન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયો છે. પરંતુ તપાસમાં એવું સામે આવ્યું છે કે, આ પાર્સલ કોઈ અજાણી વ્યક્તિ દ્વારા મોકવામાં આવ્યું છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે જ્યારે બે લોકોની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.