12મે International Nurses Day તરીકે ઉજવાય છે. આ દિવસે હિંમતનગરની GMERS સિવિલ હોસ્પિટલમાં International Nurses Dayની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 300થી વધુ નર્સીસે મીણબત્તી સળગાવી શપથ લીધા હતા. અને કોરોના કાળમાં કામગીરી કરનાર 40થી વધુ હોસ્પિટલના વોર્ડના નર્સીસનું વિવિધ સંગઠનો દ્વારા શાલ ઓઢાડી અને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકાના પ્રમુખ યતીની પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલ, ઇન્ચાર્જ મેડીકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સિવિલ સર્જન ડૉ. રીટા સિન્હા, TNAI ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ જ્યોત્સના ચૌધરી, DNS મેડમ મોનીકા ક્રિશ્ચિયન અને પુષ્પા પરમાર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નર્સીસને પ્રોત્સાહિત કર્યા હતા.
હિંમતનગરના વિવિધ સંગઠનના જનકભાઈ, હરિભાઈ, પ્રિતેશભાઈ, કૌશિકભાઈ, કુલદીપભાઈ, ધાર્મિકભાઈ અને મિત્રો દ્વારા હિંમતનગર સિવિલ હોસ્પિટલની 40થી વધુ વોર્ડની નર્સીસ બહેનોનું એવોર્ડ આપી, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત TNAI ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ દ્વારા કોરોનામાં સારી કામગીરી કરનારા નર્સીસને પ્રોત્સાહિત ઈનામ આપી સન્માનિત કરાયા હતા. તો ગુરુવારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં નર્સીસો વચ્ચે રમતો યોજાઈ હતી. જેમાં સંગીત ખુરશી, લીંબુ ચમચી, સોય-દોરો, મેમરી ગેમ્સની સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં પ્રથમ, બીજો અને ત્રીજા નંબરે આવનાર નર્સીસને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો ઉપસ્થિત લેક્ચર હોલમાં તમામ નર્સીસે મીણબત્તી સળગાવીને શપથ લીધા હતા.