અમરેલી જિલ્લામાં શિકારની શોધમાં સિંહો સતત ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. રાત્રીના સમયે સિંહો ગ્રામ્ય વિસ્તારની બજારોમાં અને રહેણાંક વિસ્તાર સુધી આવી ચડે છે. ત્યારે ગત મોડી રાતે જાફરાબાદના વડલી ગામની બજારમાં એક સાથે 6 જેટલા સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. સિંહોએ એક આખલાનો શિકાર કર્યો હતો. જે બાદ કલાકો સુધી મિજબાની માણી હતી. જેને પગલે ગામલોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
સિંહોના ટોળાની ગામમાં લટાર
વડલી ગામની શેરીમાં સિંહોએ અડ્ડો જમાવ્યો હોય તેમ જોવા મળ્યું હતું. આખલાનો શિકાર કરી સિંહના ટોળાએ મિજબાની માણી હતી. જોકે, સિંહોની લટારના પગલે શ્વાન ભસવા લાગતા ગામલોકો મધરાતે ઉઠી ગયા હતા અને પોતાના ઘર ઉપર ચડી આ નજારો જોય રહ્યા હતા. ગામમાં એક સાથે 6 જેટલા સિંહોનું ટોળું ઘૂસી જતા ગ્રામજનોમાં પણ ભય ફેલાયો હતો. સિંહોનું ટોળુ ગામની બજારમાં લટાર મારી રહ્યુ હતું. આ દરમિયાન એક આખલો આવી જતા સિંહોએ તેનો શિકાર કરી લીધો હતો. જે બાદ મિજબાની માણી હતી. આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમ પણ દોડી આવી હતી અને મારણ દૂર ખસેડયું હતું, તેમજ સિંહોને પણ ગામની દૂર ખસેડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
જાફરાબાદમાં એક સાથે 6 સિંહોએ આખલાનો શિકાર કરી આરામથી જાહેરમાં મિજબાની માણી #amreli #Lions pic.twitter.com/NsAJAwAryx
— 1nonlynews.com (@1nonlynews) June 21, 2023
સિંહો શિકારની શોધમાં સિંહો શહેરી વિસ્તારમાં પણ ભટકી રહ્યા છે
રાજુલા શહેરના હિંડોરણા રોડ ઉપર આવેલી બાલક્રિષ્ના સ્કૂલ નજીક પણ તાજેતરમાં 4 સિંહો રોડ નજીક આવતા વનવિભાગની ટીમ દોડતી થઈ હતી અને સિંહોને હાઇવેથી દૂર ખસેડવા માટે પ્રયાસ કર્યો હતો. તેમજ પેટ્રોલિંગ પણ વધારી દીધું હતું. સિંહો હવે શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત શહેરી વિસ્તાર સુધી પણ ભટકી રહ્યા છે.