@મોહસીન દાલ, ગોધરા
ગોધરા તાલુકાના ખજુરી થી નદીસર જતા રસ્તા ઉપર કાંકણપુર પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરીને જી.જે.૦૧ ડી.વી.૦૬૩૦ બોલેરો પીકઅપ ગાડીને આંતરીને અંદાઝે રૂપિયા પાંચ લાખની કિંમતના વિદેશી શરાબના કવાર્ટરીયા ની ૧૦૩ પેટીઓ એટલે કે ૪૯૪૪ બોટલોનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસની નાકાબંધી જોઈને બોલેરો પીકઅપનો ડ્રાઈવર રાત્રિના અંધકારમાં છુમંતર થઈ ગયો હતો. કાંકણપુર પોલીસની ટીમે પોકેટકોપમાં વાહન માલિકના નામ માટે સર્ચ કરતા ગોધરા સીવીલાઈન્સના એસ.વી.પી. રોડ ઉપર રહેતા ગરાસીયા અલ્કેશભાઈ કલસીંગભાઈ નું નામ વાહન માલિક તરીકે હોવાનું બહાર આવતા કાંકણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એલ.જી.નકુમે વિદેશી શરાબના ઝડપાયેલા જંગી જથ્થા સામે તપાસો હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કાંકણપુર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો. ત્યારે કાંકણપુર પોલીસ મથકના પી.એસ.આઈ. એલ.જી.નકુમને બાતમી મળી કે, ખજૂરી થી નદીસર જવાના રસ્તેથી એક પીકઅપ વાહનમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાહન પસાર થનાર છે. જે ચોક્કસ બાતમીના આધારે કાંકણપુર પોલીસ સ્ટાફ દ્વારા ગત તા.૩૦’મીએ સવારના અરસામાં ખજૂરી જવાના રસ્તા પર આડશ ઉભી કરીને વોચ ગોઠવી હતી. જે દરમ્યાન એક શંકાસ્પદ વાહન આવતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે થોડે દૂર પોતાનું વાહન ઉભું રાખીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. બીજી તરફ પોલીસે પીકઅપ વાહનમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પીકઅપ વાહન કબજે લઈને કાંકણપુર પોલીસ મથકે લઈ જઈને લાવીને આ પેટીઓના જથ્થાની ગણતરી કરતા તેમાંથી ₹ ૪.૯૪ લાખની કિંમતની ૧૦૩ પેટીઓમાં ભરેલ ૪૯૪૪ ક્વાર્ટર બોટલ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે ₹ ૪.૯૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ₹ ૨.૫૦ લાખની કિંમતનું પિકઅપ વાહન મળીને કુલ ₹ ૭.૪૪ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરીને વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.