Kerala Landslide: દેશમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેરળમાંથી(Kerala) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના વાયનાડમાં ભારે વરસાદને પગલે ભીષણ ભૂસ્ખલનની ઘટના બની છે. જેમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે જ્યારે 100થી વધુ લોકો દટાયાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ભૂસ્ખલન થતાં 100થી વધુ લોકો દટાયાની આશંકા
કેરળમાં અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે આજે (30 જુલાઈ) વહેલી સવારે વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જાનમાલનું મોટું નુકસાન થવાની આશંકા છે. મેપડી નજીકના વિવિધ પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં 5 લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 100થી વધુ લોકો દટાયાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA)ના જણાવ્યાનુસાર બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં વિવિધ ટીમોને મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોટી સંખ્યામાં લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે.
CMO તરફતી એક નિવેદન પણ જાહેર કરાયું
રાજ્યમાં ભૂસ્ખલનની ઘટના બાદ મુખ્યમંત્રીની ઓફિસ તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવ્યું છેકે ભૂસ્ખલનને ધ્યાનમાં રાખીને, થમરાસેરી પાસ દ્વારા જરૂરી વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી પાસમાં ટ્રાફિક જામ ન થાય અને બચાવ ટીમને મુંડકાઈ સુધી પહોંચાડી શકાય. નેશનલ હેલ્થ મિશન દ્વારા અહીં કંટ્રોલ રૂમ શરુ કરવામાં આવ્યો છે. ઇમરજન્સી સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને એક ALHને તામિલનાડુના સુલુરથી રવાના કરવામાં આવ્યા છે.