- લુણાવાડા બેઠકના જંગમાં ભા.જ.પ.ને ઘરભેગા કરી દેનારા બળવાખોર અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલનો આજે ભા.જ.પ.માં પુનઃ ગૃહપ્રવેશ.!!
@મોહસીન દાલ,ગોધરા
લુણાવાડા બેઠકના ગત વિધાનસભાના ચૂંટણી જંગમાં ભા.જ.પ.ના જીગ્નેશ સેવકને હરાવનાર ભા.જ.પ.ના બળવાખોર અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલ આણી મંડળીના પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા કાર્યકરોને ગાંધીનગર કમલમમાં સંસદસભ્ય રતનસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં પ્રદેશ ભા.જ.પ. પ્રમુખ સી.આર.પાટીલે ભા.જ.પ.ના સસ્પેન્ડ બાગી નેતા જે.પી. પટેલને પુનઃ ભા.જ.પ.નો ખેસ અને ટોપી પહેરાવીને પક્ષમાં પ્રવેશ આપતા લુણાવાડા બેઠક સમેત મહીસાગર જિલ્લા ભા.જ.પ.માં ઝાંખપ અનુભવતો સન્નાટો પ્રસરી જવા પામ્યો છે. એટલા માટે કે લુણાવાડા બેઠકના ચૂંટણી જંગમાં ભા.જ.પ. વિરુધ્ધ બળવો કરનારા જિલ્લા ભા.જ.પ.ના પૂર્વ પ્રમુખ જે.પી.પટેલ વિરુધ્ધમાં જાહેર મંચ ઉપરથી હવે મોદી આવે કે યોગી આવે જે.પી.પટેલ ને હવે ભા.જ.પ.માં નહિ લેવાના રાજકીય નેતાઓ દ્વારા કરાયેલા જાહેર ઉચ્ચારણો ભા.જ.પ.ના નેતાઓ ભૂલી જઈને શિસ્ત ભંગ બદલ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા ભા.જ.પ.ના આ બળવાખોર અપક્ષ ઉમેદવાર જે.પી.પટેલ ભલે ભા.જ.પ.ના ઉમેદવારને હરાવ્યા પરંતુ પક્ષમાં પુનઃ તમારો સત્કાર કરવામાં આવ્યો છે ના જે.પી. પટેલના ભા.જ.પ.પ્રવેશને લઈને મુખ્યત્વે મહીસાગર જિલ્લા ભા.જ.પ.માં આંતરીક રાજકીય માહૌલ એટલા માટે ગરમાયો છે કે આ ઘટનાને લઈને બળવાખોરો ખોંખારીઓ સાથે ગેલમાં આવી ગયા છે.!! આગામી લોકસભા ચૂંટણીઓ પહેલા કર્ણાટકના પરીણામોથી અંદરખાને ચોંકી ગયેલા પ્રદેશ ભા.જ.પ.ના મોભીઓ દ્વારા હવે ભા.જ.પ. પ્રેવશોત્સવ ચાલુ કરતા મહીસાગર ભા.જ.પ. માં ખળભળાટ પ્રસરી જવા પામ્યો છે.
આમ આદમી પાર્ટીમાં વધુ એકવાર મોટું ભંગાણ સર્જાયુ છે. જેમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં બાલાસિનોરથી ‘આપ’ના ઉમેદવાર તરીકે ઉભા રહેનાર ઉદયસિંહ ચૌહાણ ભા.જ.પ.માં જોડાયા છે. ગાંધીનગર ભા.જ.પ. કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ઉદયસિંહ ચૌહાણે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ ભા.જ.પ.માં જોડાયા હતા. ગાંધીનગર કમલમ ખાતે તમામ કાર્યકર્તાઓનું ભા.જ.પ.માં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉદયસિંહ રયજી ચૌહાણ બાલાસિનોર વિધાનસભા વિસ્તારના કદાવર નેતા છે. તેઓ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ વિધાનસભા ચૂંટણી ટાણે જ ‘આપ’ના તત્કાલીન પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાને મળ્યા હતાં અને ત્યારબાદ મહીસાગર જિલ્લા આપ પ્રમુખના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. ૨૫ વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા ઉદયસિંહે ‘આપ’માં પ્રવેશ કર્યો હતો. ઉદયસિંહ ચૌહાણ કોંગ્રેસમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદે જવાબદારી સંભાળતા હતાં. તે ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂક્યા હતા અને કોંગ્રેસ સાથે છેલ્લા ૨૫ વર્ષથી જોડાયેલા હતાં. કોંગ્રેસમાંથી છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં આવેલા ઉદયસિંહ ચૌહાણને આમ આદમી પાર્ટીએ બાલાસિનોર વિધાનસભાના ઉમેદવાર બનાવી ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા હતા. જ્યાં તેઓનો પરાજય થયો હતો, ત્યારે હવે તેઓ ફરીથી પક્ષ પલટો કરીને ‘આપ’માંથી ભા.જ.પ.માં જોડાયા છે.