- ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું, પ્રજાને સાથે રાખી ખુલ્લું મુકવાની ચીમકી!
@શ્રીકાંત પટેલ દ્વારા મોરબી
મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ બસ સ્ટેન્ડનું કરોડોના ખર્ચે નવું બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યું છે જે નવું બસ સ્ટેન્ડ બનીને તૈયાર થઇ ચુક્યું છે પરંતુ લોકાપર્ણના વાંકે નવું બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું છે અને મુસાફરોને પણ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે જેથી સામાજિક કાર્યકરોએ નવા બસ સ્ટેન્ડને તાત્કાલિક ખુલ્લું મુકવા માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા અને મુસાભાઈ બલોચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબીની જનતા વતી નવું બસ સ્ટેન્ડ ચાલુ કરવા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી શું કોઈ નેતાઓની રાહ જોવામાં આવી રહી છે ?
મોરબીને પેરીસ બનાવવા માટેના વાયદાઓ ચૂંટણી સમયે નેતાઓ આપતા હતા પરંતુ એક બસ સ્ટેન્ડ ચાલુ કરાવી શકતા નથી તેવા પ્રહારો પણ કરવામાં આવ્યા છે.જેથી નવા બનેલા બસ સ્ટેન્ડને ૧૫ દિવસમાં ખુલ્લું મુકવામાં નહિ આવે તો મોરબીની જનતાને સાથે રાખી સામાજિક કાર્યકરો નવું બસ સ્ટેન્ડ ખુલ્લું મુકશે તેમ પણ જણાવ્યું છે.