@શ્રીકાંત પટેલ, મોરબી
મોરબી જિલ્લામાં ભ્રષ્ટ્રાચારી સિસ્ટમ ની બોલબાલા હોય તેમ સરકારશ્રીના ઘણા ઠરાવો અને પરિપત્રોનું પોથીમાના રીંગણા જેવું થઈ રહ્યું છે. એમાંથી વાત લઈએ ખાણ ખનીજ વિભાગ અને આરટીઓ વિભાગની જેમાં રાત્રિ દરમિયાન લીઝની મંજૂરી હોય તો પણ ખનન કે પરિવહન થઈ શકતું નથી તેવા પરિપત્ર હોવા છતાં આજની તારીખે રાત્રિ દરમિયાન જ ખનીજ ચોરી થઈ રહી છે અને પરીવહન થઈ રહ્યું છે.
તે જ પ્રમાણે આ ખનીજ ચોરી ના ડમ્પરો ઓવરલોડ હોવા છતાં આરટીઓના અધિકારીઓ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબની કામગીરી કરતા નથી તેવું જોવા મળ્યું છે. આ બાબતે મોરબી જિલ્લાના આરટીઓ કચેરીમાં થયેલી આરટીઆઇ નો જવાબ યોગ્ય નહીં લાગતા તેની પ્રથમ અપીલ સંયુક્ત વાહન વ્યવહાર કમિશનર ની કચેરીમાં થઈ ચુકી છે. ઘણા ડમ્પરો તો ધૂળની ડમરીઓનું પ્રદુષણ ફેલાય તેવી રીતે પરીવહન કરી રહ્યા છે. આ બાબતે વાત કરીએ તો નામદાર હાઇકોર્ટના એક હુકમ મુજબ રાજ્ય લેવલે જિલ્લા લેવલે અને તાલુકા લેવલે ખનીજ ચોરી રોકવા અને તેની સમીક્ષા કરવા માટે સમીતી ની રચના કરવામાં આવી છે. પરંતુ આ સમિતિઓ ખનીજ ચોરી રોકવામાં નિષ્ફળ ગઈ છે જેમાં માસિક હપ્તા ઉઘરાવવામાં આવતા હોવાની લોકોમાં ચર્ચા થઈ રહી છે તે જે હોય તે પણ ખનીજચોરી બેફામ થઈ રહી છે તે હકીકત છે.
ગુજરાત સરકાર જ ઝીરો ટોલરન્સ થી ભ્રષ્ટ્રાચાર નિર્મૂલન ની વાત કરી રહી છે ત્યારે ગુજરાતના એસીબી તંત્રને પણ અપડેટ કરીને તેમને માસિક બે ડીકોઈ ટ્રેપ અને વાર્ષિક લક્ષ્યાંક દશ ડીકોઇ ટ્રેપ ફાળવો જોઈએ. તેમણે સુઓમોટો પ્રમાણીક ફરજ બજાવી નેં ડીકોઇ ટ્રેપ ગોઠવી ને લાંચ લેતા કે લાંચ આપતા બન્ને ને પકડી ને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સુચના સરકારે એસીબી તંત્રને આપવી જોઈએ. મોરબીમાં સાંજના સમયે ઘણી ઓફિસોના અમુક ટેબલ ઉપર લાંચ ની રકમ નાં નાણાંની લેવડદેવડ થાય છે. આવા સરકારી બાબુઓ વિરુદ્ધ બેનામી કે અપ્રમાણિક મિલકત અંગે એસીબી સુઓમોટો તપાસ કરે તો સતાનો દુરુપયોગ કરનારા ની તપાસ માં સત્ય હકીકત બહાર આવી જશે. ત્યારે ભ્રષ્ટાચાર નિર્મૂલન માટે એસીબી તંત્રને તકેદારી આયોગ ની જેમ અપડેટ કરીને સૂચના આપવામાં આવે તો થોડા ઘણા અંશે ઝીરો ટોલરન્સ થીં ભ્રષ્ટાચાર નિર્મૂલન ની વાત સાર્થક ગણાશે તેવું જાગૃત નાગરિકો બોલી રહ્યા છે.