Mohsin dal Godhara
ઇ.સ. ૧૮૬૫ માં સાહિત્ય પ્રિય અંગ્રેજ અફસર એલેકઝાન્ડર કિનલોક ફાર્બસ દ્વારા મુંબઈમાં સ્થપાયેલી સંસ્થા ગુજરાતી સભા દ્વારા ગુજરાતભરમાં વ્યાપન પર્વ ચાલી રહ્યું છે. આ પર્વની શ્રેણીમાં વિવિધ સ્થળોએ કળા અને સાહિત્યનાં વ્યાખ્યાનો યોજાઈ રહ્યાં છે. આ શ્રેણીનું વ્યાખ્યાન સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ મોરવા હડફ ખાતે પણ યોજવામાં આવ્યું હતું.
મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા દ્વારા વિવિધ સ્થળોએ વ્યાપન પર્વ યોજાઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ નવી પેઢીમાં કળા અને સાહિત્ય ક્ષેત્રે રસ કેળવાય અને તેઓ એ અંગે માહિતગાર થાય એવો રહ્યો છે. આ શ્રેણીનું વ્યાખ્યાન સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ મોરવા હડફ ખાતે યોજાઈ ગયું હતું. આ વ્યાખ્યાનનું આયોજન ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રો.ગિરીશ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું. પર્વમાં સૌને આવકારતાં કોલેજના આચાર્ય કે.જી.છાયા એ ગુજરાતી ભાષાના મહત્વ વિશે સમજૂતી આપી હતી તથા આવા વિમર્શ દ્વારા યુવાનોની બૌદ્ધિક ક્ષમતા આગળ વધે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલના આચાર્ય ડૉ.કિશોર વ્યાસે મુદ્રણકળાના આરંભથી લઈને અત્યાર સુધીના સાહિત્યિક પત્રકારત્વનો રસપ્રદ શૈલીમાં ચિતાર આપ્યો હતો. તેઓએ ભારતનું પ્રથમ સામયિક બુદ્ધિપ્રકાશ, કવિતા, ફારબસ ત્રિમાસિક, નવનીત સમર્પણ, બાલસૃષ્ટિ, ઉદ્દેશ વગેરે સામયિકોનો પરિચય વિગતવાર આપીને સામયિકો બતાવ્યાં હતાં.
આ પ્રસંગે ચિત્રકાર અને પ્રો.પીયૂષ ઠક્કરે ચિત્રોને કેવી રીતે ઓળખવા એ બાબતે ચિત્ર પ્રદર્શન બતાવ્યું હતું. હજારો વર્ષ પૂર્વે આદિમાનવ દ્વારા દોરાયેલાં ગુફાચિત્રો, ભીંતચિત્રો, પીઠોરા કળા, વારલી ચિત્રકલા અને આધુનિક શૈલીનાં ચિત્રો સુધીની સફરને તેમણે વર્ણવી હતી. આ તમામ ચિત્રોને પ્રોજેક્ટર દ્વારા પ્રદર્શિત કરીને તેમના વિશેનો વિગતવાર પરિચય આપ્યો હતો. દેશ વિદેશના ચિત્રકારોનો પણ પરિચય કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.રાજેશ વણકરે કર્યુ હતું. કળા અને સાહિત્યમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.