@મોહસીન દાલ ગોધરા
મોરવા (હ) તાલુકાના વંદેલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં કરવામાં આવેલા વિવિધ વિકાસલક્ષી કામો પૈકી ૪૦ કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા ના તપાસ અહેવાલને આધારે તત્કાલીન સમયના વહીવટી સત્તાધીશો અને પદાધિકારીઓ સામે તાત્કાલિક પોલીસ ફરીયાદ દાખલ કરો ના શરૂ થયેલા ધમપછાડાઓ સામે ખુદ સત્તાધારી ભા.જ.પ.ના પદાધિકારીઓ અને સંગઠનમાં ઉભા થયેલા નારાજગીઓના આક્રોશ સાથે આજરોજ મોરવા (હ) તાલુકાના ભા.જ.પ. પદાધિકારીઓ, સંગઠનના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા પંચમહાલ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરીને ડે.ડી.ડી.ઓ. દ્વારા એક તરફી જેવા તૈયાર કરાયેલા તપાસ અહેવાલ સામે પુનઃ ન્યાયિક રીતે ખાતાકીય રાહે તપાસ કરવામાં આવે એવી રજુઆત વ્યક્ત કરતું આવેદનપત્ર સુપ્રત કરતા મોરવા (હ)ના વંદેલી પ્રકરણમાં હવે વહીવટી અને રાજકીય માહૌલ ગરમાયો છે.!! એમાં મોરવા (હ) તાલુકામાં હવે ભા.જ.પ.v/s ભા.જ.પ.ના શીતયુદ્ધનો પ્રારંભ થયો હોવાનું કહેવાય છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના રાજકીય અગ્રણીઓ, તેમજ ભાજપના વિવિધ પદાધિકારીઓ દ્વારા મોરવા હડફ તાલુકાના વંદેલી ગામના વિકાસકાર્યો નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસના વિરોધમાં જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યુ હતું કે અમે મોરવા(હ) તાલુકાના વંદેલી ગામમાં છેલ્લા ૧ વર્ષ થી પંચાયતના વિવિધ ૬૩ જેટલા વિકાસ કામોની તપાસ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી. મકવાણા દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી, જેમાં સરપંચ અને તલાટી દ્વારા સ્થળ પર કામો બતાવેલા છે, જે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને બતાવ્યા છે, ત્યાર બાદ અચાનક કોઇ રજુઆત વિના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સતત ત્રણ દિવસ સવારથી રાત્રે ૮ વાગ્યા સુધી ગામના સરપંચ કે તલાટી કમ મંત્રી સિવાય મહેસુલ વિભાગના કર્મચારીઓને સાથે રાખી તપાસ કરી તપાસ અહેવાલમાં ૪૭ કામોમાં ગેરરીતી આચરવામાં આવી છે એવો અહેવાલ તૈયાર કરી ફરીયાદ દાખલ કરવાની પેરવીમાં છે, જેને લઇને જિલ્લા સમાહર્તા તરીકે ફરીથી વિભાગ વાર કામોની તાત્કાલીક પુનઃ તપાસ કરાવવા માંગ છે અને એમાં ગેરરીતી સામે આવે તો જવાબદારી સ્વિકારી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અમને મંજુર છે. સમગ્ર મામલે કેટલાક તલાટી, તાલુકા વિકાસ અધિકારી અને અન્ય જવાબદાર અધિકારીઓ ભુલ વિના કાર્યવાહીનો ભોગ બને એ વ્યાજબી નથી, લોકશાહીમાં આવી ગંભીર ફરીયાદ પહેલા એક થી બે વાર સાંભળવાની અને તપાસની તક આપી અપાવી જે તે વિભાગને ભલામણ કરવા અમારી સૌની માંગણી છે, ત્યારે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. મોરવા હડફ તાલુકાના સ્થાનિક ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી હાય હાય ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે હાલ મોરવા હડફ તાલુકાના સ્થાનિક ભાજપના પદાધિકારીઓ, આગેવાનો અને જિલ્લા પંચાયતના અધિકારીઓ આમને સામને જેવી સ્થિતિ સર્જાઇ છે.
વંદેલીનો ગરમાયેલો માહૌલ છેક મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા વહીવટી તંત્ર પણ સ્તબ્ધ.!!
મોરવા(હ) તાલુકાના વંદેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રિયંકાબેન ઝાલૈયા એ છેલ્લાં પાંચ વર્ષોના વિકાસના કામોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો તપાસ અહેવાલ રાજકીય કિન્નાખોરી કે રાજકીય દબાણના ઓથા હેઠળ તૈયાર કરીને રાજકીય રીતે બદનામ કરવાના આ ઈરાદાપૂર્વકના પ્રયત્નો સામે સમગ્ર પ્રકરણમાં પુનઃ ન્યાયિક તપાસો કરવામાં આવે એવી લેખિત રજૂઆતને લઈને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પણ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને પુનઃ ન્યાયિક તપાસ કરાવવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.
જો કે મોરવા (હ)ના વંદેલી પ્રકરણમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાના ફરીયાદ દાખલ કરો જેવા તપાસ અહેવાલનો મામલો ગત સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ નારાજગીઓ વ્યક્ત કરતી રજૂઆતોમાં પહોંચ્યો હતો. એમાં કહેવાય છે કે મુખ્યમંત્રીએ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી સાથે વાત કરીને વિગતવાર અહેવાલ મોકલી આપવાનું જણાવતા વહીવટી તંત્રમાં પણ ભારે હડકંપ પ્રસરી જવા પામ્યો છે.!!
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU4C8