@PARESH PARMAR, AMRELI
વિશ્વ પર્યાવરણ દિવસે અમરેલી જિલ્લામાં વન વિભાગના કાર્યક્રમમાં અમરેલીના સાંસદે વનીકરણ વિભાગની કામગીરીને લઈ ગંભીર સવાલ ઉઠાવતાં કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. સાંસદ નારણ કાછડિયાએ વન વિભાગના અધિકારીઓ અને કલેકટરની હાજરીમાં કહ્યું હતું કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી. સાંસદ આટલેથી અટક્યા નહોતા અને વૃક્ષારોપણની કામગીરી સામાજિક સંસ્થાને સોંપી દેવાની પણ ભલામણ કરી હતી. સાંસદના નિવેદનના ચાર દિવસ બાદ હવે ગુજરાતના વનમંત્રીએ એક ટ્વીટ કર્યું છે- અમરેલી જિલ્લામાં પાંચ વર્ષમાં 1.94 લાખ વૃક્ષ ઊછર્યાં છે. 1.94 લાખ વૃક્ષ ઊછર્યાં હોવાનો દાવો કરતાં સાંસદ અને મંત્રી આમને-સામને આવી ગયા છે. હવે સવાલ એ ઊભો થયો છે કે વનીકરણ મામલે સાંસદ સાચા કે મંત્રી?
શું કહ્યું હતું નારણ કાછડિયાએ?
અમરેલી જિલ્લામાં વન વિભાગ દ્વારા 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ વનીકરણ મામલે વન વિભાગની જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને વૃક્ષારોપણ સાથે સંકળાયેલી સામાજિક સંસ્થાનાં વખાણ કર્યા હતા. સાંસદે કહ્યું હતું કે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે ફોરેસ્ટનું એકપણ વૃક્ષ ઊછરતું નથી. સાંસદના આ નિવેદનના પગલે કાર્યક્રમમાં સન્નાટો છવાયો હતો. ચાર દિવસ સુધી આ સન્નાટો રહ્યો હતો. આ મામલે વનમંત્રી મૂળુ બેરાએ ટ્વીટ કરતાં ફરી એકવાર વનીકરણનો વિવાદ ગરમાયો છે.
શું કહ્યું વનમંત્રી મૂળુભાઈ બેરાએ?
અમરેલીમાં વન વિભાગના કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયાના નિવેદનના ચાર દિવસ બાદ વન અને પર્યાવરણમંત્રી મૂળુભાઈ બેરાએ એક ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે ‘કાર્ય સફળતાની આંકડાકીય માહિતી હંમેશાં પ્રેરણાત્મક હોય છે.’ અમરેલી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં 2.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 1.94 લાખ વૃક્ષોનો સફળતાપૂર્વક ઉછેર થયો છે.
મંત્રીના ટ્વિટ બાદ સાંસદના બોલ બદલાયા
વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ વનવિભાગના કાર્યક્રમમાં જ વનવિભાગના અધિકારીઓનો ક્લાસ લીધો હતો અને વનીકરણની કામગીરીને લઈ ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. સાંસદના આ નિવેદન બાદ વનમંત્રી મુળુભાઈ બેરાએ ટ્વિટ કરતા ‘દિવ્ય ભાસ્કર’એ સાંસદ નારણ કાછડિયાનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે, મંત્રીએ કહ્યું હોય એ બરોબર જ હોય, મારે એમાં કંઈ કહેવાનું ન હોય!
બાળકો ક્યાં સુધી બોરવેલમાં(Borewell) પડીને મરતા રહેશે? જવાબદારી કોની ?
મોરબી/ રવાપર ગામમાં ૧૨ માળની ઇમારતોની બાંધકામની મંજૂરી અંતે રદ, ડીમોલ્શન થશે?
ARVALLI: ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી બાળકીનું સારવાર બાદ મોત, ફરાર માતા થઇ પોલીસ મથકે હાજર
ZALOD / પ્રેમિકા સાથે ઘરસંસાર શરુ કરવા પત્નીને અકસ્માતના બહાને ઉતારી મોતને ઘાટ
cyclone :વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?