મહારાષ્ટ્રના નવી મુંબઈમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પોલીસે એક એવા વ્યક્તિની ધરપકડ કરી છે જેનું સેના દ્વારા કોર્ટ માર્શલ કરવામાં આવ્યું હતું. અને આ વ્યક્તિએ પોતાને આર્મી ઓફિસર કહીને સાત મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. આ વ્યક્તિ પાસેથી પોલીસને શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા છે.2017માં કોર્ટ માર્શલ બાદ સેનાએ ચૌધરીને બરતરફ કર્યો હતો.
કોર્ટ માર્શલ પછી નોકરી ગુમાવી
આ વ્યક્તિ આર્મીમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો હતો, પરંતુ આખું વર્ષ ડ્યુટી પર ગયો ન હતો અને કોઈને જાણ કર્યા વિના અચાનક ગાયબ થઈ ગયો. આ પછી, વિભાગ દ્વારા તેનો ઘણી વખત સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પણ તેનો સંપર્ક થઈ શક્યો ન હતો, જેના કારણે 2017 માં આર્મીએ તેનું કોર્ટ-માર્શલ કર્યું હતું.
ચૌધરી ઉત્તર પ્રદેશનો વતની છે અને કોર્ટ માર્શલ થયા બાદ તેણે નવી મુંબઈમાં એક રેસ્ટોરન્ટ બારમાં ચોકીદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ચૌધરીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવી જેમાં તેણે પોતાને એક વરિષ્ઠ આર્મી ઓફિસર ગણાવ્યો અને પુણે, દિલ્હી, નવી મુંબઈ અને અન્ય શહેરોની અમીર મહિલાઓને ફસાવવાનું કામ કર્યું અને એક પછી એક 7 મહિલાઓ સાથે લગ્ન કર્યા.
નવી મુંબઈમાં રહેતી એક મહિલા કે જેની સાથે ચૌધરીએ લગ્ન કર્યા હતા તેને ચૌધરી પર શંકા ગઈ અને તેના પર નજર રાખવા લાગી. આ પછી મહિલાને ખબર પડી કે ચૌધરીએ ઘણી મહિલાઓને પોતાની જાળમાં ફસાવી છે. આ પછી મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને પોતાની ફરિયાદ નોંધાવી.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે
પોલીસે 17 ઓગસ્ટે કેસ નોંધ્યો હતો અને 18 ઓગસ્ટે ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે તપાસ શરૂ કરવામાં આવી ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઇ ગઈ હતી. કારણ કે ચૌધરી પાસે એક ડાયરી મળી આવી હતી જેમાં તેણે કેટલાક કોડ વર્ડ્સ લખ્યા હતા.ડાયરીમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) અને અન્ય સંવેદનશીલ સ્થળોની માહિતી હતી. કોડવર્ડમાં લખવામાં આવ્યું હતું. આ પછી ઈન્ટેલિજન્સ બ્યુરો અને ATSએ પણ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
આ કેસમાં સૌથી મહત્વનો ખુલાસો ત્યારે થયો જ્યારે ચૌધરીએ તપાસ એજન્સીઓની સામે કહ્યું કે તે પાકિસ્તાન ગયો હતો અને દોઢ મહિના સુધી ટ્રેનિંગ લીધી હતી. હવે ઈન્ટેલિજન્સ બ્યુરો, એટીએસ અને અન્ય તપાસ એજન્સીઓએ ચૌધરી દ્વારા કરવામાં આવેલા દાવાઓની તપાસ શરૂ કરી દીધી છે. ચૌધરીની તમામ વાતમાં કેટલી સત્યતા છે, તે જાણવામાં આવી રહ્યું છે. મામલો દેશની સુરક્ષા સાથે જોડાયેલો હોવાને કારણે તપાસમાં ખૂબ કાળજી રાખવામાં આવી રહી છે.