‘માત્ર 30 સેકન્ડ અને 32 જિંદગી હોમાઈ ગઈ’ : રાજકોટ ગેમઝોનમાં આ રીતે લાગી હતી આગ
ગુજરાતના રાજકોટમાં ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનાથી ચારેકોર હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીનો મૃત્યુઆંક 32ને સ્પર્શી ગયો હોવાના અહેવાલ છે. મૃતકોના શબ એટલા ખરાબ રીતે દાઝી ગયા છે કે તેમની ઓળખ કરવા માટે હવે ડીએનએ ટેસ્ટનો સહારો લેવાની ફરજ પડી રહી છે
આગ કેમ લાગી તેનું કારણ સામે આવ્યું?
માહિતી અનુસાર આગ કેમ લાગી તેના વિશે કારણો હવે સામે આવી રહ્યા છે. એવું કહેવાય છે કે એસીમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી. જે બેકાબૂ થઈ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે ત્યાં આવેલી રાઈડ અને જનરેટર માટે હજારો લીટરની માત્રામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી આગ વધુ ભડકી હતી.
તમામ ગેમ ઝોન બંધ કરાવાયા
આ દુર્ઘટના સામે આવ્યા બાદથી રાજકોટના તમામ ગેમ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા છે. ગેમ ઝોનના માલિક સહિત અત્યાર સુધી કુલ 10 જેટલાં લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ઘટના બાદથી ગેમ ઝોનનો લગભગ 40 જેટલો સ્ટાફ રફુચક્કર થઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે લગભગ 5 કિ.મી. દૂરથી પણ જોઈ શકાતી હતી.
30 સેકન્ડમાં તો રાખ થઇ ગયું ગેમ ઝોન
માહિતી અનુસાર આગ એટલી ભીષણ હતી કે માત્ર 30 સેકન્ડમાં જ ગેમ ઝોન આગમાં લપેટાઈ ગયું હતું જેના કારણે તેમાં હાજર બાળકો અને બીજા લોકોને પોતાનો જીવ બચાવવાની તક જ ના મળી. હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટનાની તપાસ કરાવવા એસઆઈટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. મૃતકાંક હજુ વધી શકે છે.
ગેમિંગ ઝોનને NOC નહોતું મળ્યું
રાજકોટ ગેમ ઝોન અકસ્માત કેસમાં કલેકટરે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટના કારણોસર લાગી હોવાનું મનાય છે. જો કે હજુ સુધી મુખ્ય કારણ બહાર આવ્યું નથી. આ ગેમિંગ ઝોનને ફાયર વિભાગ તરફથી એનઓસી મળી ન હતી. આ અંગે વધુ માહિતી વિભાગમાંથી જ મળશે.
બાળકોએ કહ્યું- સ્ટાફ અચાનક આવ્યો અને તેમને બહાર લઈ ગયો
શનિવારે સાંજે જ્યારે આ અકસ્માત થયો ત્યારે ગેમ ઝોનમાં રમી રહેલા બાળકોએ કહ્યું કે અચાનક ત્યાંનો સ્ટાફ આવ્યો અને અમને કહ્યું કે આગ લાગી છે, તમે બહાર આવો, ત્યાર બાદ ત્યાંથી બધા બહાર દોડી આવ્યા હતા પરંતુ ઘણાંલોકો બહાર આવી શક્યા ન હતા. પહેલા માળેથી બહાર નીકળવાનો એક જ રસ્તો હતો.
2000 લીટર ડીઝલ, 1500 લીટર પેટ્રોલ સ્ટોર કરેલું હતું
ટીઆરપી ગેમ ઝોનમાં જનરેટર માટે 1500 થી 2000 લિટર ડીઝલ, ગો કાર રેસિંગ માટે 1000 થી 1500 લિટર પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જેના કારણે આગ એટલી બધી ફેલાઈ ગઈ હતી કે આખું માળખું બળીને રાખ થઈ ગયું હતું. ગેમ ઝોનમાંથી બહાર નીકળવા અને પ્રવેશવા માટે 6 થી 7 ફૂટનો એક જ રસ્તો હતો. એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ હતી જેના કારણે અકસ્માત સમયે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા.
સાંજે 4:30 વાગ્યે આગની માહિતી મળી
રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ‘ગેમ ઝોનમાં આગ લાગવા અંગે સાંજે સાડા ચાર વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. આગ ઓલવવા માટે ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આગને કારણે માળખું ધરાશાયી થયું હતું, જેનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ઉનાળાની રજાઓ અને વીકએન્ડના કારણે બાળકો સહિત અનેક લોકો ગેમ રમી રહ્યા હતા અને ઘટનાસ્થળે હાજર હતા.