પંચમહાલ જિલ્લામાં ડ્રાઈવીંગ લાયસન્સ માટે ધક્કાઓ ન ખાતા, કેમ કે લર્નિંગ લાયસન્સ માટે જ છે લાંબુ લચક વેઇટિંગ….
મોહસીન દાલ ગોધરા
શહેરીજનોને ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી અને ઝડપી મળી રહે તે માટે લર્નિંગ લાયસન્સની કામગીરી આઈ.ટી.આઈ.ને સોંપવામાં આવી છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા અને શહેરા આઈ.ટી.આઈ. ખાતે ચાલતા લર્નિગ લાયસન્સ સેન્ટર ઉપર લાયસન્સ કઢાવવા માટે હાલમાં બે થી ત્રણ માસનું વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારોએ પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે. તેમજ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પણ આર.ટી.ઓ.કચેરી ગોધરામાં ટેસ્ટ સ્લોટમાં ઘટાડો કરવામાં આવતા વેઇટિંગ બોલાતું હોવાથી અરજદારોને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે. તેમજ અરજદારોના જણાવ્યા મુજબ કાચા લાયસન્સ માટેની તારીખ લેવા માટે મોડી રાત્રે સારથી વેબસાઇટ ઉપર કાચા લાયસન્સ માટેના સ્લોટ બુકિંગ ખૂલતા હોય છે. જેમાં ફક્ત ચાર મિનિટમાં જ દિવસની તમામ એપોઇમેન્ટ બુક થઇ જતી હોય છે. આથી બાકીના અરજદારો રહી જાય છે.જ્યારે પંચમહાલ જિલ્લામાં આઈ.ટી.આઈ. સેન્ટરો ખાતે લર્નિંગ લાયસન્સના ટેસ્ટ સ્લોટમાં વધારો કરવામાં આવે તેમજ ડ્રાઈવીંગ ટેસ્ટના સ્લોટમાં પણ વધારો કરવામાં આવે તેવી અરજદારો માંગ કરી રહયા છે. તેમજ હાલમાં જે અરજીઓ નો ભરાવો થઇ ગયો છે તેનો સમયસર નિકાલ કરવા માટે યોગ્ય આયોજન કરવાની પણ માંગ ઉઠવા પામી છે.