પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ગુરુવારે યાત્રિકો માટે નિર્માણાધીન વિશ્રામ કુટીરની છત ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને 10 યાત્રાળુઓ ઘાયલ થયા હતા. જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ નાસભાગ મચી ગઈ હતી. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. પથ્થરના કાટમાળ નીચે દટાયેલા અનેક લોકોને બચાવવામાં સ્થાનિક લોકોએ મદદ કરી હતી. દરમિયાન ઈજાગ્રસ્તોને ઈમરજન્સી એમ્બ્યુલન્સ 108માં સારવાર અર્થે હાલોલ લઈ જવાયા હતા. અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
મળતી માહિતી મુજબ, માચીમાં નાળિયેર તોડવાના મશીન પાસે આ ઘટના બની હતી. વરસાદ દરમિયાન વીજળી પડવાને કારણે વિશ્રામ કુટીરનો એક ભાગ ધરાશાયી થયો હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં 3 મહિલાઓ અને 2 બાળકો સહિત 10 શ્રદ્ધાળુઓ પથ્થરોના કાટમાળ નીચે દબાઈ જવાથી ઘાયલ થયા હતા. જેમાં વડોદરાની એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે બે ગંભીર મહિલાને પણ સારવાર માટે વડોદરા લઈ જવામાં આવી છે.
મૃતક
- ગંગાબેન મહેશભાઈ દેવીપૂજક (40 વર્ષ, વડોદરા, વાઘોડિયા રોડ)
ઈજાગ્રસ્તોની યાદી
- રાજવંશ મહેશભાઈ દેવીપૂજક (21 વર્ષ, વડોદરા)
- વિજયભાઈ ભઈલાલભાઈ દેવીપૂજક (25 વર્ષ, વડોદરા)
- મારી બેન વિજયભાઈ દેવીપૂજક (5 વર્ષ, વડોદરા)
- સોનલબેન વિજયભાઈ દેવીપૂજક (30 વર્ષ, વડોદરા)
- દક્ષ વિજયભાઈ દેવીપૂજક (2 વર્ષ, વડોદરા)
- દીપકભાઈ નટવરભાઈ દેવીપૂજક (28 વર્ષ, મહેસાણા)
- મીનાબેન ખુમાનસિંહ પલાસ (21 વર્ષ)
- સુમિત્રાબેન વેલસિંહભાઇ રાઠવા (18 વર્ષ)