દેશના 43 શહેરોમાં 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં મકાનોની કિંમતોમાં વધારો થયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન સાત શહેરોમાં રહેણાંક એકમોના ભાવમાં નરમાશ જોવા મળી છે. નેશનલ હાઉસિંગ બેંક (NHB) એ બુધવારે આ જાણકારી આપી હતી. અહેવાલ અનુસાર અમદાવાદમાં રહેણાંક મિલકતોના ભાવમાં 9.1 ટકાનો વધારો થયો છે.
50 શહેરોના હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સમાં સામે આવી માહિતી
બેંકો અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલી મિલકતોના મૂલ્યાંકન પર આધારિત 50 શહેરોના હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સ (HPI)એ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે 4.8 ટકાનો વધારો દર્શાવ્યો હતો. એક વર્ષ પહેલા આ આંકડો 7 ટકા હતો.
ગુરુગ્રામમાં મકાનો સૌથી મોંઘા
આ સમયગાળા દરમિયાન, રહેણાંક મકાનો ગુરુગ્રામમાં સૌથી મોંઘા થયા હતા. અહીં મકાનોની કિંમતમાં 20.1 ટકાનો વધારો નોંધાયો હતો. જ્યારે લુધિયાણામાં ઘરની કિંમતોમાં સૌથી વધુ 19.4 ટકાનો ઘટાડો થયો હતો. હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓના નિયામકે જણાવ્યું હતું કે NHB હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ, હોમ લોનના વ્યાજ દરો હજુ પણ મહામારી પહેલાના સ્તરો કરતા ઓછા છે.
દિલ્હીમાં રાહત, કિંમતોમાં સૌથી ઓછો વધારોઃ HPI
HPI ઈન્ડેક્સ મુજબ, દેશના આઠ મોટા રહેણાંક બજારોમાં પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન દિલ્હીમાં મકાનોની કિંમતો સૌથી ઓછી 0.8 ટકા વધી હતી. અમદાવાદમાં રહેણાંક મિલકતોના ભાવમાં 9.1 ટકાનો વધારો થયો છે. બેંગ્લોરમાં 8.9 ટકા, કોલકાતામાં 7.8 ટકા અને હૈદરાબાદમાં 6.9 ટકા હાઉસિંગના ભાવમાં વધારો થયો છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની કિંમત પુણેમાં 6.1 ટકા, મુંબઈમાં 2.9 ટકા અને ચેન્નાઈમાં 1.1 ટકા વધી છે.
ત્રિમાસિક ધોરણે ચંડીગઢમાં સૌથી વધુ ભાવવધારો
વર્તમાન નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન ત્રિમાસિક ધોરણે 50 માંથી 36 શહેરોમાં મકાનોની કિંમતોમાં વધારો થયો છે. ચંદીગઢમાં રહેણાંક મિલકતો 4.9 ટકા મોંઘી થઈ છે. જોકે, નવી મુંબઈ, લુધિયાણા, હાવડામાં મકાનોની કિંમતમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ત્રિમાસિક ધોરણે 50 શહેરોના હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સમાં 0.7 ટકાનો વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી-માર્ચ 2023 ક્વાર્ટરમાં આ આંકડો 1.3 ટકા હતો. આ ઇન્ડેક્સ જૂન, 2021 થી ત્રિમાસિક ધોરણે વધતો વલણ દર્શાવે છે.
50 માંથી 43 શહેરોમાં ભાવ વધ્યા
NHBના ડેટા અનુસાર, 50 માંથી 43 શહેરોમાં મકાનોની કિંમતોમાં વધારો થયો છે, જ્યારે સાત શહેરોમાં મિલકતની કિંમતોમાં ઘટાડો થયો છે. ત્રિમાસિક ધોરણે, 50 શહેરોના ઇન્ડેક્સે અગાઉના ક્વાર્ટરમાં 2.3 ટકાની સરખામણીએ ક્વાર્ટર દરમિયાન 2.6 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.