Gujarat Rain Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર બાદ આજે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ મંડાણ કર્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 6.50 ઈંચ, મહેસાણાના વિસનગરમાં બે કલાકમાં 4 ઈંચ સહિત કુલ 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. સોમવારે (29મી જુલાઈ) રાજ્યના 204 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 100 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ હતો.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે ( 30મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, ગીર સોમનાથ બોટાદમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો
ઉત્તર ગુજરાતમાં રવિવાર (28મી જુલાઈ) સુધી સિઝનનો માત્ર 30.12 ટકા વરસાદ પડ્યો હતો. પરંતુ સોમવારે(29મી જુલાઈ) મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઉત્તર ગુજરાતમાં ઘટ રહેશે કે કેમ તે પ્રશ્નનો જવાબ જાણે ઉકેલાઈ ગયો છે. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ 55 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 75 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં કુલ 73 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37 ટકા અને ઉત્તર ગુજરાતમાં 30 ટકા જેટલો વરસાદ વરસ્યો છે.