જ્યાં ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીનું હેલિકોપ્ટર ક્રેશ થયું, 17 કલાક પછી રેસ્ક્યુ ટીમ પહોંચી, બરફના તોફાનના કારણે ઓપરેશનમાં મુશ્કેલી
મધ્ય પૂર્વમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે તેવા સમયે ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર રવિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. જોકે, પ્રમુખ ઈબ્રાહિમની સ્થિતિ અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત નથી. પ્રારંભિક અહેવાલો મુજબ અઝેરબૈજાનમાં કિજ કલાસી બાંધનું ઉદ્ધાટન કરી ઈબ્રાહિમ રઈસી પાછા ફરી રહ્યા હતા ત્યારે ખરાબ હવામાનના કારણે તેમના હેલિકોપ્ટરે ઈરાનના પૂર્વીય અઝેરબૈજાનમાં ‘હાર્ડ લેન્ડિંગ’ કરવું પડયું હતું. હાલ તેમનો સંપર્ક થઈ રહ્યો નથી.
ઈરાનની ટીવી ચેનલના રિપોર્ટ મુજબ ગૃહમંત્રી અહમદ વાહિદીએ જણાવ્યું હતું કે, પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ત્રણ હેલિકોપ્ટરના કાફલા સાથે પડોશી દેશ અઝેરબૈજાનના એક દિવસના પ્રવાસે ગયા હતા, જ્યાં અઝેરબૈજાનના પ્રમુખ ઈલ્હામ અલીયેવ સાથે તેમણે કિજ કલાસી બાંધનું ઉદ્ધાટન કર્યું હતું. અઝેરબૈજાનથી પાછા ફરતી વખતે તેમના કાફલામાંના બે હેલિકોપ્ટર ગંતવ્ય સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ વિદેશ મંત્રી હોસૈન અમિરાબ્દોલ્લાહિયાન સાથે પ્રમુખ ઈબ્રાહિમ રઈસીના હેલિકોપ્ટરનું ‘હાર્ડ લેન્ડિંગ’ કરાવવું પડયું હતું. તેમને બચાવવા માટે બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ પ્રમુખ ઈબ્રાહિમ સાથે સંપર્ક થઈ શક્યો નથી. વધુમાં હેલિકોપ્ટર પણ હજુ લાપતા છે.
ઈરાનના પ્રમુખનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચારથી આખી દુનિયામાં હોબાળો મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હેલિકોપ્ટરના અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી છે. જોકે, અમેરિકા, બ્રિટને હજુ સુધી કોઈ સત્તાવાર ટીપ્પણી કરી નથી જ્યારે અન્ય દેશોના વડાઓએ પ્રમુખ ઈબ્રાહિમ માટે પ્રાર્થના કરી છે. પડોશી દેશ આર્મેનિયાએ ઈરાનને બચાવ કામગીરીમાં સહાયની તૈયારી દર્શાવી છે. ઈરાનના ધાર્મિક વડા અયાતોલ્લાહ ખામનેઈએ પ્રમુખ ઈબ્રાહિમની સુરક્ષા માટે પ્રાર્થના કરી છે અને તેમણે કહ્યું કે, વર્તમાન કટોકટીના સમયમાં શાસનના કામકાજમાં કોઈ અવરોધો સર્જાશે નહીં. દરમિયાનમાં તહેરાનમાં સરકારે પ્રમુખ ઈબ્રાહિમના ગુમ થવા અંગે અહેવાલો જાહેર કરવા તેમજ અફવાઓ ફેલાવવા સામે ચેતવણી જારી કરી છે.