લોકસભાના ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવાનો મામલે ભારતીય જનતા પાર્ટી સતત દબાણમાં આવી રહી છે. જેમાં રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધવાના મામલે ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો છે. જેના પગલે સરકારે પોલીસને તાકીદ કરી છે કે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમ અંગે ગુનો દાખલ કરતા પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે. જેથી ગુનો નોંધવો કે નહી? તે નક્કી કરી શકાય.
રાજકોટમાં પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય મામલે વાંધાજનક નિવેદન કરતા સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે. જેમાં ગોંડલમાં જયરાજસિંહે બોલાવેલી મિટીંગ સમયે કેટલીક ક્ષત્રિય મહિલાઓને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવી હતી. તેમજ રાજકોટમાં મહિલા અગ્રણી વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બંને ઘટનાઓ બાદ પોલીસ પર રાજકીય દબાણનો આરોપ મુકવામાં આવ્યો હતો. જો કે આ બાબતને લઈને ખુદ ભાજપના સક્રિય ક્ષત્રિય અગ્રણીઓ પણ વાંધો ઉઠાવ્યો હતો.
જે બાદ સરકારે ચૂંટણીના માહોલમાં નુકશાન ન જાય તે માટે તાકીદે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરી છે કે રાજ્યમાં કોઈ સ્થળે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે તે સંજોગોમાં સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરવી પડશે. જેના આધારે ગુનો નોંધવો કે નહી? તેની સુચના મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવાની રહેશે. આમ, ખુદ પોલીસ અધિકારીઓ પણ રૂપાલા મામલે રાજકીય દબાણમાં આવી ગયા છે.
ક્ષત્રિય આગેવાનોએ વિવાદિત નિવેદન બદલ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ અડગ રાખી છે અને એવી ચેતવણી આપી છે કે અમારા સમાજનું આંદોલન હવે માત્ર રાજકોટ બેઠક પુરતું સિમિત રહ્યું નથી, પરંતુ સમગ્ર ગુજરાતનું બની રહ્યું છે. ક્ષત્રિય સમાજની ઉમેદવારી બદલવાની હઠ સામે પ્રદેશ નેતાઓના હાથ હેઠાં પડ્યાં છે.
છત્તાં હજુ પ્રયાસે ચાલું રાખવામાં આવ્યા છે અને કેન્દ્રીય મોવડીમંડળનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. આ સંજોગોંમાં નૈતિક જવાબદારી નિભાવવાનો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. ભાજપ પર પોલિટીકલ પ્રેશર વધતું જાય છે. નારાજ ક્ષત્રિયાણીઓની ચેતવણીને અનદેખી કરી શકાય તેમ નથી. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રૂપાલા ખુદ હાઈકમાન્ડના સંપર્કમાં છે. આ વિવાદ મમાલે તેમની પાસે સ્પષ્ટતા માગવામાં આવી છે.