પાટણના સમી-રાધનપુર હાઈવે ફરી એકવાર રવિવારે રક્તરંજિત બન્યો છે. બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થયા છે. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
હાઈવે પર બે કાર ધડાકાભેર અથડાઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઈવે પર આજે બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં મહિલા પોલીસકર્મી રેખાબેન અને તેમના પતિ અને પુત્રનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે 6થી વધુ લોકો ઘાયલ થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસનો કાફલો અને 108 પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જોકે, બાદમાં પોલીસે માર્ગ ક્લિયર કરાવ્યો હતો. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.