રાજસ્થાની રહેવાસી અંજુ પોતાના પતિ અને બાળકોને મૂકી પાકિસ્તાન ચાલી ગઈ અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નસરુલ્લાહ સાથે નિકાહ કર્યાના સમાચારો અત્યારે હેડલાઈનમાં છે. ત્યારે મથુરાથી એક વિપરીત સમાચાર સામે આવ્યા છે. અહી એક મુસ્લિમ યુવતી કૃષ્ણ ભક્તિમાં એટલી લીન થઇ ગઈ છે કે તેણે બાકીનું જીવન ભગવાન કૃષ્ણની ભક્તિમાં વિતાવવાનો નિર્ણય કર્યો છે.
જી, હા…! આપણે વાત કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની જીગર કોલોનીમાં રહેતા ઇકરામ હુસૈનની પુત્રી શબનમની. ઇકરામ હુસૈન વાસણો અને પિત્તળના શિલ્પ બનાવવાનું કામ કરે છે. તેમની પુત્રી શબનમને શરૂઆતથી જ હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે ખૂબ લગાવ છે. આ કારણે કૃષ્ણનો પ્રેમ તેને બ્રજભૂમિ તરફ ખેંચી ગયો. 4 મહિના પહેલા તે લાડુ ગોપાલને હાથમાં લઈને વૃંદાવન ધામ ગઈ હતી.અહીં તે ગોવર્ધન પરિક્રમા માર્ગ પર સ્થિત ગોપાલ આશ્રમમાં રોકાઈ હતી. અને હવે શબનમ પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરવા માંગે છે.
શબનમ પરિણીત છે
વર્ષ 2000માં શબનમના લગ્ન દિલ્હીના શાહદરાના એક વ્યક્તિ સાથે થયા હતા. પરંતુ 5 વર્ષ પછી જ વર્ષ 2005માં શબનમના છૂટાછેડા થઈ ગયા. જે બાદ તે તેના પિતા ઇકરામના ઘરે પરત ફરી હતી.શબનમ તેના પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે.
આજીવિકા માટે બની હતી બાઉન્સર
શબનમે તેના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પાછી દિલ્હીમાં રહેવા આવી હતી. પછી તેણે એક ખાનગી કંપનીમાં થોડા દિવસ કામ કર્યું. આ પછી શબનમે થોડા મહિનાઓ સુધી લેડી બાઉન્સર તરીકે પણ કામ કર્યું.
પરિવાર સાથે નાતો તોડી કૃષ્ણ સાથે નાતો જોડ્યો
ભગવાન કૃષ્ણની ભક્ત શબનમ કહે છે કે તેણે તેના પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા છે. હવે તે તેના માતા-પિતા કે ભાઈ-બહેન સાથે કોઈ નાતો નથી. શબનમે તેના લાડુ ગોપાલને સાથે લઈને તેના આધાર કાર્ડમાં તેનું નામ બદલવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હજુ સુધારો થયો નથી.