હાલમાં શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષ ચાલી રહ્યો છે. હિન્દુ ધર્મમાં દરેક ઘરની અંદર આ 16 દિવસ તેમના વડીલોનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમાં વડીલને ભાવતા વિવિધ પ્રકારના પકવાનો બનાવવામાં આવે છે, મિષ્ટાનો બનાવવામાં આવે છે અને કાગડા ગાય અને કૂતરાને શ્રદ્ધાપૂર્વક ખવડાવવામાં આવે છે, પરંતુ જ્યારે આ જ વડીલો પોતાના શરીર સાથે જીવિત અવસ્થામાં તેમની સાથે હતા ત્યારે આ વડીલોની બિલકુલ દરકાર તેમણે કદાચ નહીં કરી હોય, કદાચ તેમના ભાવતા કે નહિ ભાવતા ભોજનની પણ દરકાર નહિ રાખવામાં આવી હોય. તેમના ગમા અણગમાનો ખયાલ પણ નહીં રાખ્યો હોય પરંતુ મૃત્યુ બાદ તેમની ભાવતી વસ્તુઓ બનાવી મિજબાની અવશ્ય માણવામાં આવે છે.
ત્યારે હાલના સમયમાં કાગડાની વસ્તી મોટા પ્રમાણમાં ઘટી રહી છે ત્યારે વિચારવા જેવી વાત છે કે શું ખરેખર આપણે કાગડાને કરાવેલું ભોજન આપણા પિતૃ પાસે પહોંચતું હશે. પિતૃ કાગડા બની આપણા દરવાજે આવે છે આ વસ્તુ માં કેટલું તથ્ય હશે? શું આપણે વડીલોના જીવતેજીવ તેમની દરકાર કરી તેમને ભાવતા ભોજન અને તેમના ગમાંનો ખયાલ ન રાખી શકીએ.
મૂળભૂત રીતે શ્રાદ્ધ નો અર્થ થાય છે વફાદારી અને બુદ્ધિ સાથે વડીલોની જીવતે જીવ સેવા બુદ્ધિ સાથેની શ્રદ્ધા. તે ‘શ્રાદ્ધ’નો અર્થ છે. જો આપણે પૂર્વજોના સંબંધમાં આ શબ્દ વિશે વાત કરીએ, તો આપણો અર્થ તેમના પ્રત્યેની ભક્તિ, કુટુંબ અને પૂર્વજો પ્રત્યેની આસ્થા, વંશીય પરંપરા, માતા-પિતા અને શિક્ષકો પ્રત્યેની સેવા ભાવનાથી પ્રેરિત ક્રિયાઓને ‘શ્રદ્ધા’ કહેવામાં આવે છે. . જો આપણે આપણા જીવિત પૂર્વજો અને આપણા કુટુંબ અને સમાજના વડીલોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખ માટે કંઈ કરીશું તો આપણા પૂર્વજોની આત્માને તેમના મૃત પૂર્વજોના નામ પર માત્ર ખવડાવવાથી શાંતિ આપોઆપ મળી જશે. પૂર્વજો માત્ર ખોરાક માટે ભૂખ્યા નથી. તેઓ તેમના કુટુંબ અને બાળકોમાં વડીલ પ્રત્યેની સન્માનની ભાવના જોઈ વધુ આનંદ મેળવે છે.
જો કોઈપણ બાળકમાં વડીલો પ્રત્યે સન્માન કે આદરની ભાવના ના હોય તો જીવતા માતા-પિતા કે વડીલોને સુખ ન આપી શકે તો ચોક્કસ જાણી લો કે પછી શ્રાદ્ધના નામે થતી તમામ વિધિઓ માત્ર તમાશો છે.
સમસ્યા એ છે કે લોકો શ્રાદ્ધને ધાર્મિક વિધિ તરીકે સમજે છે અને કરે છે અને આમ કરીને તેઓ તેમની ફરજ બજાવે છે. મૃત પૂર્વજોના નામ પર પૂજા કરતી વખતે અને કોઈને ભોજન ખવડાવવાથી તેમના સુધી પહોંચશે એવું વિચારવું એ મોટી ભૂલ છે. જીવિત પૂર્વજોને સુખ ન આપવું અને મૃત પૂર્વજોના નામે વિધિ કરવી એ ખોટું છે. કર્મકાંડ શ્રાદ્ધ નથી. કોઈપણ ધાર્મિક વિધિ એ મૂળ જીવનમાં અપનાવવામાં આવતી કોઈપણ વિધિનું માત્ર પ્રતીક છે. જો આપણે જીવનમાં એ સંસ્કારનું પાલન ન કરીએ તો વિધિ એ માત્ર તમાશો જ બની રહે છે. પરિવારમાં વડીલોને તકલીફ પડે છે, ઘરમાં તેમના પ્રત્યે સહેજ પણ માન-સન્માનનું વાતાવરણ નથી અને આપણે મૃત પૂર્વજોને જળ ચડાવીએ છીએ, તર્પણ કરીએ કે તેમના નામે શ્રાદ્ધનું આયોજન કરીએ તે માત્ર તમાશો છે. હાસ્યાસ્પદ દંભ છે.
આજે સમાજમાં સૌથી નબળો અને સૌથી વધુ તિરસ્કાર બોગવતો વર્ગ એટલે આપણા વડીલો છે. શહેરમાં ઠેર ઠેર વૃદ્ધાશ્રમો બની રહ્યા છે. અને કીડીયારાની જેમ ઉભરાઈ રહ્યા છે. વૃદ્ધાશ્રમોની વધતી જતી કતારો ધરાવતો સમાજ શ્રાદ્ધના નામે ધાર્મિક વિધિઓ કરીને પોતાની ફરજનો બજાવે છે. જો આપણે આપણા પરિવારમાં તેમને યોગ્ય આદર અને સ્નેહના બે શબ્દો પણ આપી શકતા નથી, તો પછી આપણે શ્રાદ્ધના નામે દેખાડો કરવાની પણ કોઈ જરૂર નથી.
કોઈના દ્વારા ખાવામાં આવેલો કોઈપણ વસ્તુ વાસ્તવિક અર્થમાં મૃતકો સુધી પહોંચતી નથી અને તમારા કે આપણા મૃત પૂર્વજો માત્ર ખાવા પીવાથી સંતુષ્ટ અને ખુશ થતા નથી. શરીરને ભૂખ લાગે છે, આત્માને આ ખોરાક નથી જોઈતો. મૃત પૂર્વજોને ભોજનની જરૂર નથી. જરૂર છે હયાત વડીલોને પ્રેમ પૂર્વક ભોજન કરાવવાની નહિ કે તેમના મૃત્યુ બાદ કકંગ્ડ, કુતરા કે ગાય ને મિષ્ટાન્નન ખવડાવવાની. જીવતા માતા-પિતા અને વડીલોને આપણા ઘરમાં આદર અને સન્માન સાથે સ્થાન આપવું જોઈએ, તેનાથી ઉત્તમ શ્રાદ્ધ બીજું કોઈ શ્રાદ્ધ નથી. આપણે હંમેશા તેમના આશીર્વાદના સહભાગી બનીએ અને તેમની સેવામાં આનંદ મેળવીએ. કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં જઈને બધાને પોતાના હાથે આદરપૂર્વક ભોજન પીરસો અને તેમની સાથે સમય વિતાવો અને જુઓ કે તમને કેટલા આશીર્વાદ મળશે.
શાસ્ત્રો પણ કહે છે કે આત્મા જ્યોત સ્વરૂપ છે. તેને ભોજનની જરૂર નથી. દરેક જીવ પોતાના કર્મોનું ફળ પોતાના શરીર દ્વારા ભોગવે છે અને તે પ્રમાણે જ આગળનું જીવન મેળવે છે. આનો અર્થ એ નથી કે શ્રાદ્ધ ખોટું છે અથવા તે ન કરવું જોઈએ. વાસ્તવમાં, જો જીવન શ્રાદ્ધને સમર્પિત થઈ જાય એટલે કે જીવિત માતાપિતા અને વડીલોની જ સેવા કરી લીધી હોય તો તેનાથી ઉત્તમ બીજું કઈ નથી.
આ લેખનો મૂળ આશય શ્રાદ્ધ નહીં કરવા નો નથી. પરંતુ જીવિત વડીલોનો સેવા આદર સન્માન કરવાનો છે. શ્રાદ્ધના નામે દંભ ના કરો. શ્રાદ્ધ એટલે પોતાના તન, મન, ધનથી અને નિઃસ્વાર્થ અને કૃતજ્ઞ ભાવનાથી જીવન જીવવું અને પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી જાળવી રાખવી.વડીલોનું સન્માન કરવું.