હિંદુ ધર્મગ્રંથોમાં દ્વાદશ જ્યોતિર્લિંગો વર્ણવાયાં છે. આ જ્યોતિર્લિંગનાં સ્થાનો આપણા માટે માત્ર પવિત્ર યાત્રાધામો જ નથી, પરંતુ તેના સંદર્ભો આપણને સૌને અનંતનાં મૂળભૂત તત્ત્વોથી જ્ઞાત કરાવે છે અને તે દ્વારા જીવનની યથાર્થતા પણ સમજાવે છે. આદિકાળથી પ્રચલિત જ્યોતિર્લિંગોને વધારે લોકભોગ્ય બનાવવાનું કાર્ય આદિ શંકરાચાર્યજીએ અને તેમના અનુગામીઓએ સતત કર્યું છે. ૧૨ જ્યોતિર્લીંગમાં એક કે જે મોટા હોવાને કારણે એને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, આ જગ્યા પર મહાદેવે ભીમાસુરનો વધ કર્યો હતો, જેના લીધે આ જ્યોતિર્લિંગનું નામ ભીમશંકર પડ્યું. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. એવી માન્યતા છે કે ત્રિપુરાસુર નામના અસુર સાથેના યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો. નીરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમશંકરનાં દર્શનથી મળે છે.
શિવપુરાણની કોટીરુદ્ર સંહિતાની પ્રચલિત કથા
શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગના ઉદ્ભવ અંગે મુખ્યત્વે ત્રણ કથાઓ પ્રચલિત છે, એક કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટીરુદ્ર સંહિતામાં મળે છે, એ કથા કંઇક આ પ્રમાણે છે, પ્રાચીન કાળમાંસહ્યાદ્રી પર્વતના ઊંચા શિખરો પર આવેલા ડાકિનીના ગીચ જંગલોમાં ભીમ નામનો એક રાક્ષસ રહેતો હતો, જે લંકા નરેશ રાવણના ભાઈ કુંભકર્ણનો પુત્ર હતો. પરંતુ તેનો જન્મ પિતાના મૃત્યુ પછી થયો હતો. આ કારણે તે પોતાના પિતાના સંદર્ભમાં કાંઈ જાણતો ન હતો. તે પોતાની માતા કર્કટી સાથે વનમાં રહેતો હતો. યુવાવસ્થા આવવા પર તેણે પોતાની માં કર્કટી પાસે પોતાના પિતાના મૃત્યુનું રહસ્ય જાણ્યું, અને શ્રીરામના હાથથી પિતાના વધનું રહસ્ય જાણીને તેણે ભગવાન રામનો વધ કરવાનો નિર્ણય લીધો. તેને કઠોર તપસ્યા કરીને સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માને રાજી કરીને તેમની પાસે અસીમ શક્તિનું વરદાન મેળવ્યું.પછી તેણે પોતાની શક્તિનો ઉપયોગ કરીને સમગ્ર માનવ જાતિની સાથે દેવ લોકનો પણ સર્વનાશ કરવાનું શરૂ કરી દીધું. અહીં સુધી કે ભીમે શ્રીહરિને પણ પરાજિત કરી દીધા, અને શિવજીના પરમ ભક્ત રાજા સુદક્ષિણને હરાવીને તેમને કેદ કરી લીધા. રાજા સુદક્ષિણે ત્યાં ભગવાન શિવના પાર્થિવ શિવલિંગની સ્થાપના કરી તેમની સ્તુતિ કરવાનું શરૂ કરી દીધુંતે સમયે ભીમ ત્યાં આવ્યો અને પોતાની તલવારથી એ પાર્થિવ શિવલિંગને તોડવાનો પ્રયત્ન કર્યો. તે સમયે શિવલિંગમાંથી મહાદેવ પ્રકટ થયા અને મહાદેવે પોતાના પિનાક ધનુષ્યથી રાક્ષસ ભીમની તલવારના બે ટુકડા કરી દીધા. ત્યારબાદ મહાદેવે પોતાની હુંકાર માત્રથી રાક્ષસ ભીમનો અંત કરી દીધો, અને પોતે તે જગ્યા પર લિંગ રૂપમાં વિરાજમાન થઈ ગયા. આ સ્થળ પર રાક્ષસ ભીમનો અંત કરવાને કારણે આનું નામ ભીમ શંકર પડ્યું.
ત્રેતાયુગમાં ત્રિપુરાસુર નામના રાક્ષસ સાથે જોડાયેલ કથા
બીજી એક કથા પ્રમાણે, ત્રેતાયુગમાં ત્રિપુરાસુર નામનો એક રાક્ષસ, કે જે શિવજીનો પણ પરમ ભક્ત હતો, તેણે એક વાર આકરી તપશ્ચર્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા. શિવજીએ ત્રિપુરાસુરને વરદાન માગવાનું કહેતાં રાક્ષસે સ્વર્ગ, મૃત્યુ અને પાતાળનું રાજ માગી લીધું. આ વરદાન મળતાં જ ત્રિપુરાસુર મદમસ્ત અને અહંકારી બન્યો. પોતાને મળેલી શક્તિઓથી ત્રિપુરાસુરે ત્રણે લોકમાં ત્રાસ મચાવ્યો. દેવલોકમાં પણ સમસ્ત દેવતાઓની સ્થિતિ નિર્બળ બની ગઈ. આથી સમગ્ર દેવતાગણ ત્રિપુરાસુરના ત્રાસથી છુટકારો મેળવવા ભગવાન શિવના શરણે ગયો. શિવજી પણ આ જોઈને ક્રોધિત બન્યા. ત્રિપુરાસુર નામના મહાસુરની શક્તિઓથી વાકેફ શિવજીએ પણ પૂરતી તૈયારીઓ કરવી પડી. છેવટે મહાશક્તિનો સંહાર કરવા શિવજીએ પોતાનું વિશાળ રુદ્રરૂપ ધારણ કર્યું. એક તબક્કે તો ત્રિપુરાસુર પણ શિવજીનું આ પ્રલયકારી રૂપ જોઈને ભયભીત બન્યો, છતાં તેણે યુદ્ધ ચાલુ રાખ્યું. આ યુદ્ધ લાંબો સમય ચાલ્યું. છેવટે કાર્તિક પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના દિવસે શિવજીએ પોતાના શસ્ત્રથી ત્રિપુરાસુરનો વધ કર્યો. ભયાનક યુદ્ધથી થાકેલા શિવજી પોતાના નિવાસસ્થાન કૈલાસ જઈ રહ્યા હતા, ત્યારે વિશ્રામ લેવા થોડોક સમય સહ્યાદ્રિ પર્વતની ઊંચી જગ્યા પર બેઠા. આ સમયે શિવજીના શરીરમાંથી પરસેવાની સહસ્ત્ર ધારાઓ નીકળીને નીચે પડવા લાગી અને તેનો એક પ્રવાહ બનીને એક કુંડમાં આવીને ભીમરથી નદીના રૂપમાં વહેવા લાગ્યો. જે આગળ જતા ભાગીરથી ભીમા નદી તરીકે પ્રચલિત થઇ. દેવો અને ભક્તોએ શિવજીને આ સ્થળે કાયમી વસવાટ કરવાની વિનંતી કરી. શિવજીએ આ વિનંતીનો સ્વીકાર કર્યો અને જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયા. ત્રિપુરાસુરના મૃત્યુ બાદ તેની શોકાતુર પત્નીઓ શાકિની અને ડાકિની શિવજીના શરણે ગઈ અને પોતાની જીવનરક્ષાની પ્રાર્થના કરી. શિવજીએ આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને તેમને અભયવચન આપ્યું કે ડાકિની અને શાકિની આ ક્ષેત્રમાં નિર્ભય બનીને નિવાસ કરી શકે છે, આ ક્ષેત્ર તમારું જ રહેશે. આથી જ શિવજીનું નામ જપતાં પહેલાં ભક્તો ડાકિની અને શાકીનીને યાદ કરતા હોય છે. એવું પણ કહેવાય છે કે ત્રિપુરાસુરનો વધ કર્યા પછી માતા પાર્વતીના અવતાર એવાં કમલજાદેવીની દેવતાઓએ પ્રતિષ્ઠા કરી હતી. ત્રિપુરાસુર સામેના યુદ્ધમાં કમલજાદેવીએ શિવજીની મદદ કરી હતી. ભીમાશંકર નજીકમાં કમલાજા નું મંદિર આવેલું છે. કમલાજા દેવીને કમળના ફૂલ ધરાવવામાં આવે છે. આ દેવી મનોકામના પૂર્ણ કરતાં હોવાની માન્યતા શ્રદ્ધાળુઓમાં છે.
ત્રીજી પ્રચલિત કથા ભતિરાવ નામના કઠિયારાની
સ્વયંભૂ ભીમાશંકર જ્યોતિલિંગ અંગેની ત્રીજી પ્રચલિત કથા ભતિરાવ નામના કઠિયારાની છે. કથા એવી છે કે પ્રાચીન સમયમાં ભતિરાવ નામનો કઠિયારો એક વાર એક જૂનું વૃક્ષ કાપી રહ્યો હતો, ત્યારે તેની કુહાડીનો ઘા થડના મૂળ પર પડ્યો. તે વખતે એક ચમત્કારિક ઘટના એ બની કે તે વૃક્ષમાંથી લોહીના ફુવારા ઊડવા લાગ્યા. આ જોઈને કઠિયારો ત્યાંથી ભાગી છૂટ્યો અને ગામમાં જઈને ગ્રામજનોને આ ઘટનાની વાત કરી. ગ્રામજનો પણ આ દૃશ્ય જોઈને દંગ થયા. આ ગ્રામવાસીમાંથી એક ગ્રામવાસી તરત જ પોતાની પાસેની દુધાળી ગાય આ વૃક્ષ પાસે લઈ આવ્યો. ગાયના દૂધથી લોહીની ધારાઓ બંધ થઈ ગઈ અને વૃક્ષના તે જખમ પર અભિષેકની માફક દૂધ વહેવા લાગ્યું. આ દૂધના અભિષેકથી શિવજી પ્રસન્ન થયા. લોહી વહેતું બંધ થયું અને ત્યાં જ્યોતિર્લિંગ પ્રગટ થયું. આ સ્થાને આગળ જતાં ભક્તોએ શિવમંદિર જી થાણા જિલ્લ આ ઘંટ પંચ મંદિરને ત્રણ મંદિરનું સ છે. ઈ. સ. જૂની શૈલ બનાવ્યું, જે ભીમાશંકર જ્યોતિર્લિંગનાં નામથી જાણીતું બન્યું.
શરીરને નીરોગી અને બળવાન રાખનારા જ્યોતિર્લિંગ
આ હતી વાર્તા શ્રી ભીમાશંકર જ્યોતિર્લીંગની. ભીમાશંકર જ્યોતિર્લીંગની આસપાસ ખુબ બધા દેવી દેવતાઓના સ્થાન રહેલા છે. અન્ય એક પવિત્ર જાગ્યાનો નાતો સ્વયંભૂ ભીમાશંકર સાથે રહેલો છે. ભીમાશંકર મંદિરથી ૫૦૦ મીટર દૂર મોક્ષકુંડ આવેલો છે. એની વાત એવી છે કે ભીમા નદી પહાડ પર આવેલા ઉગમકુંડમાં પ્રગટ થઈને મોક્ષકુંડમાં વહી ગઈ હતી. આ મોક્ષકુંડ કૌશિક મુનિના તપની સાક્ષી પૂરે છે. કૌશિક મુનિના ઋચિક નામના શિષ્ય ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો નહિ હોવાથી તેના પૂર્વજોને મોક્ષ મળ્યો નહિ. આથી કૌશિક ઋષિએ આ સ્થળે કુંડ બનાવીને પોતાના કમંડળમાંથી પાણી રેડતાં ભીમરથી નદી આ કુંડમાં વહેતી આવી. આ પાણીમાં સ્નાન કરીને ઋચિકના પિતૃઓને મોક્ષપ્રાપ્તિ થઈ હોવાથી તેને મોક્ષકુંડ કહેવામાં આવે છે. તો આ રીતે એમ આપણે કહી શકીએ કે માહાદેવના પરસેવા માત્રથી જીવમાત્રનું કલ્યાણ થઇ શકતું હોય તો સાક્ષાત એવા ભોળાનાથનું પૂજન કરવાથી શું નાં થઇ શકે? શ્રી ભીમાશંકરને ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર તેમ જ શરીરને નીરોગી અને બળવાન રાખનારા જ્યોતિર્લિંગ તરીકે માનવામાં આવે છે. મહારાષ્ટ્રના તમામ ચક્રવર્તી રાજાઓ અને સંતોએ શ્રી ભીમાશંકરે જ્યોતિર્લિંગની મુલાકાત લીધી હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. છત્રપતિ શિવાજી મહારાજ શ્રી ભીમાશંકરનાં દર્શને વારંવાર આવતા. છત્રપતિ રાજારામ મહારાજ તો ભીમાશંકર મહાદેવના મોટા ઉપાસક હતા.