રાજકોટમાં ખૂલતા બજારે ફરી સિંગતેલમાં ભાવમાં ભડકો થયો છે. આજે સિંગતેલમાં 20 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં તેલના ભાવમાં સીધો 200 રૂપિયાનો વધારો કરાયો છે. આ વધારાને કારણે સિંગતેલનો ડબ્બો રૂ. 3170 ને પાર પહોંચ્યો છે. વધતા ભાવ અંગે વેપારીઓનું કહેવું છે કે, વરસાદ ખેંચતા મગફળીના પાકની આવક ઘટી રહી છે. બીજી તરફ, બજારમાં મગફળીની માંગ ઉઠી છે. મગફળીની અછતને કારણે પીલાણમાં આવતી ન હોવાથી 90 ટકા મિલો હાલ બંધ હાલતમાં છે. પરંતુ જો આવુ જ રહ્યું તો સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી જાય તેવી શક્યતા છે.
તેલિયા રાજા બેફામ બન્યા
ગુજરાતમાં હવે તહેવારનો માહોલ છે. રાજ્યમાં 3.50 કરોડ ગરીબો છે ત્યાં તેલિયા રાજાઓ આ ગુજરાતીઓનું તેલ કાઢી રહ્યાં છે. ગુજરાતમાં મગફળીની મબલક આવક સામે ખેડૂતોને પાકના ભાવ મળી રહયાં નથી પણ તેલિયા રાજાઓ બેફામ તેલના ભાવ વધારી રહ્યાં છે અને સરકાર મૂકપ્રેક્ષક બનીને બેઠી છે. સસ્તી મગફળી વચ્ચે તેલના ભાવ કેમ ઉંચકાય એ ગણિત ઘણાને ગળે ઉતરી રહ્યું નથી. સ્ટોક કરીને તેલિયા રાજાઓ અછત બતાવી ગુજરાતીઓનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. ગુજરાતમાં પાકતી મગફળીના સિંગતેલનો ભાવ સતત વધી રહ્યો છે. ખેડૂતોને ઉંચા ભાવ મળવાના કારણે પડતર વધતાં સિંગતેલના ભાવ વધવાના ગણિતો સમજાય પણ ખેડૂતોને ટેકાના ભાવથી પણ ઓછા ભાવ મળી રહ્યાં છે અને સિંગતેલના ભાવ વધે એ કાળાબજારી છે. સરકાર આ બાબતને સારી રીતે જાણતી હોવા છતાં પણ આ મામલે ચૂપકીદી સાધી લેવાની સાથે તેલિયા રાજાઓને ખુલ્લેઆમ પરવાનો આપી દીધો છે.
મગફળીની અછતના કારણે પીલાણમાં નથી આવતી
સિંગતેલના વધતા ભાવ પર SOMA દ્વારા જણાવાયું કે, મગફળીની અછતના કારણે પીલાણમાં નથી આવતી. આ વર્ષે મગફળીના વાવેતરમાં ઘટાડો થયો છે. ઉત્પાદનની સામે માંગમાં વધારો થતા સિંગતેલના ભાવ વધ્યા છે.
સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી જાય તેવી શક્યતા
આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ, નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો પહેલાં જ સિંગતેલના ભાવોમાં બેફામ વધારો શરૂ થતાં લોકો ચિંતામાં છે. આ તહેવારના સમયમાં ખાદ્યતેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે. જેના પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થશે. લોકો ગરીબીમાં પિસાઈ રહ્યાં છે અને કાળાબજારીયાઓ તેનો બેફામ ફાયદો ઉઠાવી રહ્યાં છે. તેલના સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ 3170 રૂપિયાને પાર થઈ ગયો છે. જાણકારોના મતે હજુ બીજા સો રૂપિયાના વધારાની ગણતરી છે. ગુજરાતમાં મગફળીની આવક સારા પ્રમાણમાં છે અને નવી સિઝનમાં પણ મગફળીના વાવેતરમાં સુધારો થયો છતાં ભાવ વધી રહ્યા છે એ લોકોને સમજાતું નથી. સરકારનો કોઈ અંકુશ ન હોવાથી તેલીયા રાજાઓ સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરીને ભાવ વધારો કરી રહ્યા છે.
ગુજરાતમાં મોંઘવારી બેકાબૂ બની
રાજ્યમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. લોકો પગારમાં માંડ પૂરું કરી રહ્યાં છે ત્યાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના વધતા જતા ભાવ લોકોને પરેશાન કરી રહ્યાં છે. પેટ્રોલ અને ડીઝલના તો ભાવ કાબુ બહાર જ છે અને હવે ખાદ્યતેલના ભાવ પણ કાબુ બહાર જઈ રહ્યા છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં લોકોને સિંગતેલ ખાવું દોહ્યલું બની જશે. ગુજરાતમાં સૌથી વધારે વાવેતર થતો પાક અને જે પાકની આપણે નિકાસ કરી રહ્યાં છે એ મગફળીનું તેલ ગુજરાતીઓના નસીબમાં ના હોય એનાથી બીજી બલિહારી કઈ હોઈ શકે.
1nonlynewsના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો:-
https://chat.whatsapp.com/HyFwqFPR3EP0gbrKvdU