RCB આઇપીએલની પહેલી સિઝનથી રમી રહ્યું છે. પરંતુ હજુ સુધી એક પણ વાર IPLનો ખિતાબ જીતી શક્યું નથી. RCB આઈપીએલના ઇતિહાસમાં ત્રણ વાર ફાઇનલમાં પહોંચ્યું હતું, વર્ષ 2009,2011, અને 2016માં ફાઇનલમાં પ્રવેશીને પણ જીત મેળવી શકી નથી. આ 16મી સીઝનમાં પણ વિરાટ કોહલીની ટીમ આરસીબી પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. આ જોઈ પાકિસ્તાન દિગ્ગ્જ ખેલાડી વસીમ અકરમે ટિપ્પણી કરી છે કે, જો વિરાટ કોહલી ની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોની આરસીબીના કેપ્ટ્ન હોત ટીમ અત્યાર સુધીમાં ત્રણ આઈપીએલના ખિતાબ જીતી ચુકી હોત.
વસીમ અકરમે શું કહ્યું?
વસીમ અકરમે એક સ્પોર્ટ્સ વેબસાઈટ સાથેની વાતચીતમાં કહ્યું – જો એમએસ ધોની આરસીબીનો કેપ્ટન હોત તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં ત્રણ આઈપીએલ ટ્રોફી જીતી લીધી હોત. જયારે વિરાટની કેપ્ટ્નશીપમાં અત્યાર સુધી એક પણ ટ્રોફી જીતી શકી નથી. તેને ચાહકોનો ઘણો સપોર્ટ છે. આરસીબી પાસે વિશ્વના શ્રેષ્ઠ ક્રિકટર વિરાટ કોહલી છે. છતાં પણ કમનસીબે તે જીતી શક્યા નથી. જો ધોની આરસીબીમાં હોત તો તે તેમને ખિતાબ જીતવામાં મદદ કરી શક્યો હોત.
વસીમ અકરમે ધોનીની પ્રશંસા કરી હતી
અકરમે ધોનીની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે 41 વર્ષીય ધોની જાણે છે કે પોતાના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે જાગૃત કરવો. તેમને કેવી રીતે મોટીવેટ કરવા. ધોનીને ટીમની કેપ્ટનશિપ કરવાની આદત છે. વિરાટને પણ અત્યાર સુધીમાં તેની આદત પડી ગઈ હશે, પરંતુ ધોનીના આ ગુણ સ્વાભાવિક છે. ધોની અંદરથી શાંત નથી પરંતુ તે બતાવે છે કે તે શાંત છે. જ્યારે ખેલાડીઓ જુએ છે કે તેમનો કેપ્ટન શાનદાર છે અને જ્યારે તે ખેલાડીઓના ખભા પર હાથ મૂકે છે, ત્યારે ખેલાડીને વધુ આત્મવિશ્વાસ મળે છે.
ધોનીએ ચાર IPL ટાઇટલ જીત્યા છે
ધોનીએ કેપ્ટન તરીકે ચાર આઈપીએલ ટાઈટલ જીત્યા છે અને માત્ર મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રોહિત શર્મા (5 ટાઈટલ) તેનાથી આગળ છે. ત્રણ અલગ અલગ ICC ટૂર્નામેન્ટ જીતનાર તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે. બીજી તરફ, કોહલી તેની કારકિર્દીમાં હજુ પણ આઇપીએલ ખિતાબ જીતવા માટે મહેનત કરી રહ્યો છે. 2008માં ટી20 લીગની શરૂઆત થઈ ત્યારથી તે સતત 16 સીઝન સુધી એક જ ટીમનો ભાગ રહ્યો છે. તેણે 2013 થી 2021 સુધી આરસીબીની કેપ્ટનશીપ કરી, પરંતુ ક્યારેય ટાઇટલ જીત્યું નહીં. વર્તમાન સિઝનમાં RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે તેને પરાજય મળ્યો હતો.